ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.1લી મેને સોમવારથી 35 દિવસનું ઉનાળું વેકેશન
અમદાવાદઃ ગુજરાતની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.1લી મેને સોમવારથી 35 દિવસના ઉનાળું વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. આમ તો મોટાભાગની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ વેકેશન જેવો જ માહોલ છે. વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાનું હોવાથી માત્ર શિક્ષકો જ શાળાએ આવતા હતા. મોટાભાગની શાળાઓએ પરિણામો પણ જાહેર કરી દીધા છે. હવે સોમવારથી 35 દિવસના વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. વેકેશનના પ્રારંભ પહેલા ઘણાબધા વાલીઓ પોતાના બાળકો સાથે પ્રવાસે પણ ઉપડી ગયા છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 1લી, મે-2023થી 35 દિવસના ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. આથી વર્ષ-2023-24ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ 5મી, જૂનથી થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓને વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ તારીખ 29મી, એપ્રિલે પ્રસિદ્ધ કરવાનો આદેશ કર્યો છે. વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષની પૂર્ણાહુતિ 30મી, એપ્રિલના રોજ કરાશે. જોકે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે. ઉપરાંત વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. ઉપરાંત ધો.-3થી 5ના વિદ્યાર્થીઓના વિષયવાર ગુણની એન્ટ્રી શિક્ષણ વિભાગના પોર્ટલ ઉપર અપલોડ કરી દેવાયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ અપલોડ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.અને આવતી કાલ તા. 29મી, એપ્રિલના રોજ વાર્ષિક પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવાની સુચના આપી દેવાઈ છે. ત્યારબાદ 1 મે થી રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓમાં ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. 35 દિવસના ઉનાળું વેકેશન આગામી 5 જૂને પૂર્ણ થતાં જ વર્ષ-2023-24ના શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.