 
                                    સુરતના ચોર્યાસી, અમરેલીના ખાંભા સહિત 35 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ વરસાદ પડ્યો
અમદાવાદઃ ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે પણ સોમવારે 35 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના ચોર્યાસીમાં અને અમરેલીના ખાંભામાં ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં અઢી ઈંચ, આણંદના આંકલાવ, ગીરસોમનાથના ઊના અને તલાલામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો, આ સિવાયના 30 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.
રાજકોટ અને અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડ્યો હતો. ઉપલેટામાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી હતી. જેમાં અચાનક જ બપોર બાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘસવારી આવી પહોંચી હતી. ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા હતા. તો બીજી તરફ, ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં વાવેલા પાકને વ્યાપક ફાયદો થશે. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલીના રાજુલા અને ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે રાજુલા તાલુકાના ચોત્રા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગામના બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાંભા તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને ધાતકવડી નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ હતી. રાજુલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.અમરેલી જિલ્લાના વડીયા-ખીજડીયા ગામમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે ગામના રોડ પર નદીઓ જેવા દૃશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદને પગલે ગ્રામજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ હતી.
સુરતના ચોર્યાસી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ભરૂચના વાગરા, સુરત શહેર, નવસારીના ચીખલી, સુરતના ઓલપાડ, કામરેજ, ઉપરાંત અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

