Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કોન્ટ્રાક્ટથી કામ કરતા 375 ડ્રાઈવરો દોઢ મહિનાથી પગારથી વંચિત

Social Share

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનના કન્ઝર્વન્સી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં આશરે 375 જેટલા ડ્રાઇવરોને છેલ્લા દોઢ મહિનાથી પગાર ન મળતા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. મ્યુનિના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોના હડતાળને કોંગ્રેસ ટેકો આપ્યો છે. ડ્રાઈવરોની હડતાળને લીધે મ્યુનિની સફાઈ અને આનુષંગિક સેવાઓને અસર થઈ છે. આ સમગ્ર મામલામાં કોન્ટ્રાક્ટર અને મ્યુનિના અધિકારીઓની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં કન્ઝર્વન્સી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં આશરે 375 જેટલા ડ્રાઈવરો છેલ્લા દોઢ મહિનાથી પગારથી વંચિત છે. આથી આર.કે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કંપની હેઠળ કામ કરતાં ડ્રાઇવરો દ્વારા હડતાળ પાડવામાં આવી છે. ડ્રાઇવરોનો મુખ્ય આક્રોશ છે કે દિવાળી જેવા મોટા તહેવારો નજીક છે. ત્યારે દોઢ મહિનાથી પગાર ન મળવાને કારણે તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તહેવાર સમયે પગાર ન મળવાથી તેમના તહેવારો બગડે તેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. ડ્રાઇવરોનું કહેવું છે કે તેમણે પૂરી નિષ્ઠાથી કામ કર્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેમને સમયસર મહેનતાણું ચૂકવાયું નથી.

આ અંગે કોંગ્રેસના આગેવાન અરવિંદ મુછડિયાએ જણાવ્યું હતું કે,  ડ્રાઈવરોનો કોન્ટ્રાક્ટ 3 મહિના પહેલા પૂરો થઈ ગયો છે, જેનું રિન્યુઅલ થયું નથી. કર્મચારીઓને 1 મહિનાનો પગાર મળ્યો નથી. નિયમ મુજબ બોનસ આપવાનું હોય છે, પરંતુ તેમાં પણ છટકબારી કરવામાં આવી રહી છે. તેમણે આ કોન્ટ્રાક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને વિજિલન્સ તપાસની માંગ કરી હતી. અને કર્મચારીઓના ખાતામાં પૂરો પગાર આવતો ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોનો પગાર રૂ. 16,000થી વધુ છે, પરંતુ તેમને અંદાજે રૂ. 12,300 જેટલો જ મળે છે. આ મુદ્દે આરએમસીના કમિશનરને આવેદન આપીને જાણ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં  છેલ્લા 2 દિવસથી કચરા પેટીઓમાંથી કચરો ઉપાડવામાં નહીં આવતા વિસ્તારમાં હાલાકી ઊભી થઈ છે. ત્યારે તાત્કાલિક આ કર્મચારીની માંગો સ્વીકારવામાં આવે તે જરૂરી છે કન્ઝર્વન્સી વિભાગના ડ્રાઇવરો સફાઈ, કચરાના નિકાલ અને અન્ય આવશ્યક સેવાઓમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમના હડતાળ પર જવાથી શહેરી સફાઈ અને જાહેર આરોગ્ય સંબંધિત કામગીરી પર પણ ગંભીર અસર પડવાની સંભાવના છે. મનપાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ મામલે દરમિયાનગીરી કરીને ડ્રાઇવરોને તેમનો બાકી પગાર અપાવે અને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.

Exit mobile version