
જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ
અમદાવાદઃ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સાવજોની ગર્જના હવે વધી રહી છે. સફળ પ્રજનન માટે પાયો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાવજોની દેખરેખને કારણે 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ થયો છે. ઝૂમાં દર વર્ષે પાંચથી છ સિંહબાળનો જન્મ થાય છે. જો કે, છેલ્લા 18 મહિનામાં 40 સિંહબાળના જન્મનો નવો રેકોર્ડ બન્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સક્કરબાગ ઝૂમાં વર્ષ 2020માં 26 સિંહબાળનો જન્મ થયો હતો. તેમજ વર્ષ 2021માં અત્યાર સુધીમાં 14 સિંહબાળનો જન્મ થયો છે. ઝૂના અધિકારીએ જણાવ્યાં અનુસાર સિંહ અને સિંહણના પ્રજનન દરમિયાન ભોજન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત ખાન-પાન સુધારવાને કારણે સકારાત્મક પરિણામ જોવા મળ્યાં છે. આ ઉપરાંત કેલ્શિયમ, ફોસ્ફેટ, ઝિંક, મેનેસિયમ જેવા તત્વોની નિયમિત તપાસ કરવામાં આવે છે. સાવજોને પોષક તત્વ યુક્ત ભોજન આપવામાં આવે છે. વર્ષ 2017થી 2019ના સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ ચાર-ચાર સિંહબાળનો જન્મ થતો હતો.