રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: જિલ્લાના જસદણના શિવરાજપુર ગામે થયેલી ચકચારી કોળી સમાજના મોભી છગન ઝાપડીયા હત્યા કેસમાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે ત્વરિત કામગીરી હાથ ધરીને પોલીસે 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ સમાજના આગેવાનની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો, દરમિયાન મૃતકના પરિવારના સભ્યોએ એવી માગ કરી છે કે, દસ દિવસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો દસ દિવસ બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ બનાવની વિગત એવી હતી કે, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ચાર ચોકડી નજીક રામદેવપીરના મંદિર પાસે તાજેતરમાં રાત્રિના સમયે છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડીયાને છરી મારી અને હત્યા નિપજાવવામાં આવી હતી તેમજ તેમના પુત્ર નિલેશ છગનભાઈ ઝાપડીયાને પણ પડખાના ભાગે છરી મારવામાં આવી હતી, બાદમાં પરિવાર દ્વારા મૃતક છગનભાઈ અને તેમના પુત્ર શૈલેષને જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં સમાજના આગેવાનો એકઠા થઈ આ બનાવના હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસે આ મામલે ત્વરિત કામગીરી હાથ ધરીને પોલીસે 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ સમાજના આગેવાનની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો,
પોલીસ સૂત્રોના કહેવા મુજબ જસદણના શિવરાજપુર ગામે થોડા દિવસ અગાઉ 12 ફેબ્રુઆરી 2026ના રોજ રસ્તા પર સામસામે વાહન પસાર કરવા બાબતે કોળી સમાજના યુવક શૈલેષ છગનભાઈ ઝાપડીયા તથા સંજય મુંધવા નામના બે યુવક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જોકે જે તે સમયે મામલો સ્થળ પર શાંત પડ્યો હતો, પરંતુ બાદમાં શૈલેષ ઝાપડીયાના પિતા છગનભાઈને સંજય મુંધવાના પક્ષ તરફથી વિરમ મુંધવા નામના શખ્સે ફોન કરી આ બાબતને લઈને વધુ બોલાચાલી કરી હતી અને બાદમાં સમગ્ર મામલે સમાધાન કરવા બંને પક્ષોએ મળવાનું નક્કી કર્યું હતું. બંને પક્ષોએ પૂર્વ આયોજન કરી 13મી ફેબ્રુઆરીએ સાંજના સમયે શિવરાજપુર ચાર રસ્તા ચોકડી પર રામદેવપીરના મંદિર સામે ભેગા થયા હતા. જેમાં એક પક્ષે છગન ઝાપડિયા અને તેમના પુત્રો સહિત 5-7 લોકો તથા સામે પક્ષે સંજય મુંધવા, વિરમ મુંધવા, વજા મુંધવા, રણ મુંધવા, સાગર મુંધવા સહિતના મુંધવા કૌટુંબિક ભાઈઓ હાજર હતા, જ્યાં બંને પક્ષે સામાન્ય બોલાચાલી શરૂ થઈ અને બાદમાં મામલો ઉગ્ર બનતા મારામારી શરૂ થઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદમાં દર્શાવેલી માહિતી મુજબ, બનાવ સમયે મુંધવા પક્ષ તરફથી નારાયણ મુંધવાએ મારી નાખવાના ઇરાદે છોટા હાથી જેવું વાહનને બેફામ રીતે ચલાવી તેને પીડિત ઝાપડીયા પક્ષ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફરિયાદી પક્ષના લોકો સ્વ બચાવમાં સાઈડમાં દોડીને જતા તેઓ બચી ગયા હતા અને ઘટનાસ્થળે દોડધામ મચી હતી.

