Site icon Revoi.in

ગુજરાત પોલીસના કાફલામાં 50 QRT બાઈકનો ઉમેરો, ગુનાખોરીને અટકાવવામાં મળશે મોટી મદદ

Social Share

ગાંધીનગરઃ ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અત્યાધુનિક બાઈકને ગુજરાત પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. આ બાઈકનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીને અટકાવવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને પોલીસ વાનને જ્યાં પહોંચવામાં સમય લાગે તેવા સંવેદનશીલ સ્થળો પર તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરવાનો છે. આ બાઈક ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ આપવા માટે તૈયાર કરાયા છે.

QRT બાઈક હોન્ડા કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં કેટલીક વિશેષતાઓ ઉમેરવામાં આવી છે. ૩૫૦ સીસીના આ બાઈકમાં ડ્યુઅલ ટોન સાયરન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, 360 ડિગ્રી વિઝિબિલિટી માટે રીઅર ડોમ્સ, ફ્રન્ટ પોલિકાર્બોનેટ વિન્ડશીલ્ડ, સી હોક લાઈટ્સ, અને સાઈડ તેમજ ટોપ બોક્સ જેવા ફિચર્સ છે. આ ઉપરાંત, બાઈકમાં પાછળના ભાગમાં બેન્ડેબલ બેટન છે જેમાં પોલીકાર્બોનેટ લેન્સવાળી લાઈટ પણ છે. આ પહેલ પોલીસની ગતિશીલતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાની સાથે સાથે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરશે. 

Exit mobile version