
ગુજરાતની 55 યુનિવર્સિટીઓ અને 1767 કોલેજોને NAAC ની માન્યતા નથી, UGCના નિયમનું ઉલ્લંઘન
અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આદેશ મુજબ દેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોએ NAAC ની માન્યતા ફરજિયાત હોવા છતાં ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટી અને કોલેજોએ માન્યતા લીધી નથી. ગુજરાતની 66 ટકાથી વધુ યુનિવર્સિટીઓએ NAAC ની માન્યતા લીધી નથી, એટલે કે, નેકની માન્યતા ન હોય એવી 55 યુનિવર્સિટીઓ છે. આ ઉપરાંત ગુજરાતની 78 ટકા કોલેજોએ પણ NAAC ની માન્યતા લીધી નથી. એટલે કે 2267 કોલેજો પૈકી 1767 કોલેજોએ NAAC ની માન્યતા લીધી નથી. પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતને ગ્લોબલ શિક્ષણ ડેસ્ટિનેશન બનાવવાના દાવા પોકળ હોય તે આ આંકડાથી પ્રસ્થાપિત થાય છે. NAAC ના મૂલ્યાંકનમાં સાત જેટલા મુખ્ય સુચકોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી અને કોલેજોમાં માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ, શિક્ષણ અને ભણતરનું મૂલ્યાંકન, રિસર્ચ અને ઇનોવેશન, વિદ્યાર્થીઓના સપોર્ટની વ્યવસ્થા, મેનેજમેન્ટ, સંસ્થાના મૂલ્યોના આધારે 1000 ગુણમાંથી મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકનમાં અભ્યાસક્રમની ડીઝાઈન, પૂરતા અને ગુણવત્તા વાળા અઘ્યાપકો, વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ, રિસર્ચને પ્રાધાન્ય, લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. આ મૂલ્યાંકન બાદ યુનિવર્સિટી અને કોલેજો ને A, B, C અને D કેટેગરીમાં મૂકવામાં આવે છે કેટલીક કોલેજો અને યુનિવર્સિટીની NAAC મૂલ્યાંકનની સાઇકલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ મૂલ્યાંકન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા નથી.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પૂરતી માળખાકીય વ્યવસ્થાઓ નો અભાવ, પૂરતા અને યોગ્ય અધ્યાપકોની ઘટ, કથળતું શિક્ષણ જેવા મુદ્દાઓથી હાટડીઓ બનેલી શૈક્ષણિક સંસ્થાઓને નિમ્ન કક્ષાનું મૂલ્યાંકન મળે તેનો ડર સતાવી રહ્યો છે કે શું? તે સવાલ ઊભો થાય છે. ગુજરાત સરકાર જો સાચા અર્થમાં શિક્ષણના સુધારની દિશામાં વિચારતા હોય તો તાત્કાલિક દરેક યુનિવર્સિટી અને કોલેજોએ NAAC નું ફરિજયાત મૂલ્યાંકન કરાવું જોઈએ. NAAC મૂલ્યાંકન ફરિજયાત થવું જોઇએ. જો શૈક્ષણિક સંસ્થાઓ મૂલ્યાંકન ના કરાવડાવે તો માન્યતા રદ્દ થાય ત્યાં સુધી ની કાર્યવાહી કરવી જોઈએ.