 
                                    અમદાવાદના વાડજ અને નરોડા બ્રિજના કામના પ્રારંભ પહેલા જ કાન્ટ્રાકટરને 60 કરોડનો વધારો અપાયો
અમદાવાદઃ શહેરની વસતી સાથે વિસ્તારમાં વધારો થતો જાય છે. સાથે જ વાહનોની વધતી જતી સંખ્યાને લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. જેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજ બનાવવામાં આનવી રહ્યા છે. જેમાં મ્યુનિ.દ્વારા છેલ્લા લાંબા સમયથી જે બે બ્રિજ નરોડા પાટિયા જંક્શનના થ્રુ ફ્લાયઓવર બનાવવાનાં કામ તથા વાડજ ખાતે ફોર લેન ફ્લાયઓવર અને ટુ લેન અંડર બ્રિજ બનાવવાનાં કામ માટે એક જ કોન્ટ્રાક્ટરને મ્યુનિ.ના અંદાજિત ભાવથી 20.50 ટકા વધારે ભાવથી આ કામગીરી સોંપવાનો રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. રૂ. 342 કરોડ કરતાં વધારે ખર્ચ સાથે બનનારા આ બંને બ્રિજ માટે પ્રાઇઝ વેરિએશનની ચુકવણી કરવાની પણ શરત મુકાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વાડજ જંક્શનથી ફોર લેન ફ્લાયઓવર અને ટુ લેન અંડરપાસ બનાવવા ટેન્ડર મગાવાયાં હતાં. રચના કન્સ્ટ્રક્શનને કામ આપવાની મ્યુનિ.એ દરખાસ્ત કરી હતી. આ બ્રિજ બનાવવા 107.86 કરોડ મંજૂર કરાયા હતા. મ્યુનિ.ના અંદાજ કરતાં આ ભાવ 20.50 વધારે છે. ઇન્કમટેક્સથી રાણીપ તરફ 735 મીટર લાંબો ફ્લાયઓવર તથા આરટીઓ તરફથી 5.5 મીટર પહોળો તથા 385 મીટર લંબાઈનો ફ્લાયઓવર રહેશે તથા દધીચિ બ્રિજ તરફ 417.97 મીટર લાંબો અને 9.50 મીટર કેરેજ તથા 8.50 મીટર પહોળાઈનો ટુ લેન અંડરપાસ બનાવવાનું આયોજન કરાયું છે. આ બ્રિજને કારણે પ્રતિદિન ત્યાંથી પસાર થતાં 1.75 લાખ વાહનચાલકોને તેનો સીધો લાભ મળશે. આ ઉપરાંત નરોડા પાટિયા જંક્શન પર ફ્લાયઓવર બનાવવાના કામને ચાર વર્ષ પછી ટેન્ડરિંગની કામગીરીમાં લવાયો છે. આ બ્રિજનું કામ પણ રચના કન્સ્ટ્રક્શનને સોંપાયું છે, જેમાં 3 જંક્શનને આવરી લેવામાં આવ્યા છે. ગેલેક્સી સિનેમાથી દેવી સિનેમા જંક્શન થઈ નરોડા પાટિયા સુધીનો રહેશે. આ બ્રિજ પાછળ 235.39 કરોડનો ખર્ચ થશે. મ્યુનિ.એ નક્કી કિંમત કરતાં 18.90 ટકા વધારે ભાવ આપ્યો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

