
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અમદાવાદથી 60 સંઘો જશે, 220 ટેન્ટ, 15 ભંડારાનું આયોજન
અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ભાદરવી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે પગપાળો સંઘોએ અંબાજી જવા માટેની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શન માટે 1800 જેટલા પગપાળા સંધો આવતા હોય છે. જેમાં આ વર્ષે 60 જેટલા પાગપાળા સંઘો અમદાવાદથી અંબાજી જશે.
જગ વિખ્યાત ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના બાકી છે ત્યારે મા અંબાના દરબારમાં શીશ નમાવવા માટે રાજ્યભરમાંથી 1800 જેટલા પગપાળા સંઘો અંબાજી માટે પ્રસ્થાન કરશે. અમદાવાદ શહેરમાંથી 60 સંઘો આ વર્ષે ભાદરવી પૂનમના મેળા માટે 1 સપ્ટેમ્બરે પ્રસ્થાન કરશે. દર વર્ષે શહેરના 2 મુખ્ય સંઘ જેવા કે વ્યાસવાડી સંઘ અને લાલ દંડા વાળો સંઘ પણ 2 સપ્ટેમ્બરના રોજ અંબાજી તરફ પ્રસ્થાન કરશે. આ વર્ષે અમદાવાદથી અંબાજી સુધી કુલ 220 ટેન્ટો, 30 મોબાઈલ ટોઇલેટ, 15 ભંડારા માટે ટેન્ટ તેમ જ 30થી વધુ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું છે. શહેરમાંથી અમદાવાદથી 65 સંઘો પગપાળા જશે, જેમાં ઘાટલોડિયા સંઘ, બાપુનગર સંઘ, નરોડા સંઘ, નારોલ સંઘ, વાડજ સંઘ, મણિનગર સંઘ જેવા મોટા સંઘો પણ અંબાજી પગપાળા જશે. સંઘોની પોતાની પણ આગવી ખાસિયતો હોય છે. 2 વર્ષ બાદ તમામ સંઘો અંબાજી પગપાળા પહોંચશે.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદમાં જૂનામાં જૂનો સંઘ લાલ દંડા છે. આ સંઘની શરૂઆત 1835થી થઈ હતી. આ સંઘ પણ સતત 187 વર્ષથી અંબાજી આવે છે. આ સંઘની ખાસિયત એ છે કે, આ સંઘમાં સામેલ ભાવિકો લાલ દંડા પર લાલ ધજા સાથે અંબાજીના બજારોમાંથી નીકળે છે. અમદાવાદનો વ્યાસવાડી સંઘ પણ ઘણો જૂનો છે. આમ અંબાજી આવતા સંઘો 10 વર્ષથી લઈને 200 વર્ષથી ભાદરવી સુદ અગિયારસથી પૂનમ સુધી દર્શન કરીને ધજાઓ ચડાવવા પદયાત્રા કરીને આવે છે.