
અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના 6200 સફાઈ કામદારને વારસાઈ નોકરીનો લાભ અપાશે
અમદાવાદઃ શહેરના નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા 6200થી વધારે સફાઈ કામદારોના વારસદારોને પણ નોકરીના અધિકારના મુસદ્દાની ફાઇલને મ્યુનિ. કમિશનરે મંજૂરીની મહોર મારી છે. આ મુદ્દો આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થવાની શક્યતા છે. ડિસેમ્બર 2020માં કામદારોએ વારસાઈથી નોકરીની માગણીઓ મુદ્દે હડતાળ પાડી હતી. જોકે મ્યુનિ. કમિશનરે ફાઇલ પર સહી કરતાં જ સફાઈ કામદારોએ મ્યુનિ.ની મુખ્ય કચેરીમાં જ ફટાકડા ફોડી સમગ્ર નિર્ણયને વધાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની હદમાં સમાવાયેલા નવા પશ્ચિમ ઝોનના વિસ્તારમાં જોડાયેલા સફાઈ કામદારો અને મ્યુનિ.ની જૂની હદમાં ફરજ બજાવતા કામદારોને મળતાં લાભમાં વિસંગતતા હતી. મ્યુનિ.માં સફાઈ કામદારોના વારસદારોને વારસાઈથી નોકરી આપવામાં આવે છે. જોકે નવા પશ્ચિમ ઝોનમાં આ જોગવાઈ ન હતી. આ બાબતે વારંવાર રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતાં ડિસેમ્બર 2020માં સફાઈ કામદારોએ હડતાળ પાડી હતી.
ત્યારબાદ મ્યુનિ કમિશનરે આ મુદ્દે યોગ્ય કરવાનું આશ્વાસન આપ્યું હતું અને શહેરના નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા 6200થી વધારે સફાઈ કામદારોના વારસદારોને પણ નોકરીના અધિકારના મુસદ્દાની ફાઇલને મ્યુનિ. કમિશનરે આખરે મંજૂરીની મહોર મારી દીધી છે. આ મુદ્દો આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થવાની શક્યતા છે, સ્ટેન્ડિંગ કમિટી પણ કમિશનરે લીધેલા નિર્ણયને અનુમતી આપી દેશે.