Site icon Revoi.in

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક પૂરના પાણીને લીધે 7 હરણના મોત

Social Share

ભાવનગરઃ  શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે નુકશાનો ચિતાર મળી રહ્યો છે. ભારે વરસાદને લીધે કાળુભાર, ઘેલો સહિત અનેક નદીમાં ઘોડાપૂર આવતા ભાલ વિસ્તારમાં સરોવરની જેમ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વસતા કાળિયાર હરણો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેને લઇને વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની ટીમ તેમજ મોબાઇલ સ્કવોર્ડના આર.એફ.ઓ.સહિતના સ્ટાફ દ્વારા કાળિયારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પાણીના પ્રવાહમાં સાત કાળિયાર હરણો તણાઇ જતાં મોત નિપજ્યા હતા.

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગર નજીક ભાલ વિસ્તારમાં મીઠાના અગરોમાં ફસાયેલા શ્રમિકોને રેસ્ક્યુ કરીને બચાવાયા હતા. સાથે જિલ્લાના ભાલ પંથકના સવાઇનગર ખાતે રેવન્યુ વિસ્તારમાં પણ ત્રણથી ચાર ફુટ પાણીનો ભરાવો થઇ જતાં સાત જેટલા કાળિયારના મોત નિપજવા પામ્યા છે. ત્યારે મોબાઇલ સ્કવોર્ડના આર.એફ.ઓ.બાંભણીયા તેમજ તેમની ટીમ દ્વારા ચારથી વધુ કાળિયારના રેસ્ક્યુ કરાયા હતા. ત્યારે બીજી બાજુ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના આર.એફ.ઓ. ગઢવી તેમજ તેમની ટીમે પણ સતર્કતા દાખવી કાના તળાવમાંથી એક કાળિયારના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું. અને તેમની ટીમ દ્વારા રેસ્ક્યુના સાધનો વડે સતત કામગીરી કરવામાં આવી રહી હોવાનું એ.સી.એફ. જોશીએ જણાવ્યું હતું. વેળાવદર કાળિયાર અભ્યારણ્યમાં બે હજારથી વધુ કાળિયાર વસાવટ કરે છે ત્યારે મોટી સંખ્યામાં કાળિયારના મોત નિપજતા હોવાનું કહેવાય છે. વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક, મોબાઇલ સ્કવોર્ડ દ્વારા કાળીયારના બચાવ માટેની કામગીરી ચાલી રહી છે.