
અમદાવાદમાં 70 શાળાઓ પાસે ફાયર NOC નથી, જિલ્લા શિક્ષણાધિકારીએ આપી મહિનાની મુદ્દત
અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સાફાલુ જાગ્યું હતું. અને સરકારના આદેશ બાદ તમામ શાળાઓમાં ફાયરની એનઓસી છે કેમ તેની તપાસ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં 70 સ્કૂલો પાસે હજુ પણ ફાયર એનઓસી નથી. જેથી હવે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ સંચાલકોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સ્કૂલોને કોઇપણ સંજોગોમાં 30 દિવસમાં ફાયર એનઓસી લેવા માટે સુચના આપવામાં આવી છે. બીજી તરફ વાલી મંડળે ફાયર એનઓસી ન હોય તેવી સ્કૂલો સામે પગલા લેવાની માગ કરી છે.
અમદાવાદ શહેરમાં 70 જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી નથી. આથી જિલ્લા શિક્ષણાધિકારીએ ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓના ચાલકોને સુચના આપીને 30 દિવસમાં ફાયર એનઓસી લઈ લેવાની તાકિદ કરી છે. જે 30 દિવસમાં ફાયરની એનઓસી લેવામાં નહીં આવે તો સ્કુલો સામે પગલાં ભરવામાં આવશે. શહેરમાં ઘણી સ્કૂલોએ ફાયર માટેનું ડેક્લેરેશન આપ્યું છે. પરંતુ ઘણા સ્થળે ડેક્લેરેશન પૂરતું નથી. કારણ કે સ્કૂલોના બિલ્ડિંગ જૂના છે અને નિયમ પ્રમાણે છત પર પાણીની ટાંકી સહન કરી શકે તેવું સ્ટ્રક્ચર પણ નથી. જેથી વાલી મંડળે પણ આ મુદ્દે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માગણી કરી છે.
દરમિયાન શાળા સંચાલકોના કહેવા મુજબ શાળાઓ પાસે પૂરતા પ્રમાણમાં ફાયરના સાધનો છે. પરંતુ જ્યારે એનઓસી માટે ઓનલાઇન અરજી કરીએ ત્યારે સર્વર બંધ હોવાનું જણાય છે. ફાયર એનઓસી આપવાની પ્રક્રિયા એક દિવસની છે, પરંતુ આ માટેની કામગીરી અને ફોર્મ ભરવાની પ્રોસેસ માટે લાંબો સમય લાગતો હોય છે.