
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 4 વર્ષમાં 5 ચીફ અકાઉન્ટન્ટ બદલાયા, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હિસાબી વહિવટના મુખ્ય ગણાય એવા ચીફ એકાઉન્ટન્ટ લાંબો સમય ટકતા નથી. છેલ્લા 4 વર્ષમાં 5 ચીફ એકાઉન્ટ અધિકારીઓ બદલાઈ ગયા છે, અને હાલ ઈન્ચાર્જ તરીકે છઠ્ઠા ચીફ એકાઉન્ટ ઓફિસર તરીકે જે મહિલા અધિકારી ફરજ બજાવી રહ્યા છે. તેની મૂળ પોસ્ટ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોવાથી તેઓ અહીં અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ આવે છે. જેને લીધે 550થી વધુ કર્મચારીઓનો પગાર પણ સમયસર થઈ શકતો નથી. તદુપરાંત દરરોજના 15 એટલે કે અઠવાડિયાના 100 બિલો એક સાથે મૂકવાની નોબત આવતા અનેક બિલો લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે. આથી કાર્યકારી કુલપતિ ડૉ. ડોડિયાએ રાજ્ય સરકારને પત્ર લખવાની સાથે રૂબરૂ રજૂઆત કરી અઠવાડિયામાં 6 દિવસ અહીં ફરજ બજાવી શકે તે પ્રકારના ચીફ એકાઉન્ટ ઓફિસરને મૂકવા માટે રજુઆત કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ ચીફ એકાઉન્ટ ઑફિસર તરીકે કે. એન. ખેર હતા. હાલ અહીં જગ્યા ખાલી છે પણ કાયમી જગ્યા ભરી શકાય તેમ નથી કારણ કે, આ જગ્યા લિયેન પર છે. જેથી યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા વચગાળાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વહિવટ મોટો હોવાથી ઘણા બિલો દરરોજ આવતા હોય છે. જેથી, અહીં પૂર્ણ સમય એટલે કે 6 દિવસ હાજરી આપી શકે તેવા ચીફ એકાઉન્ટ ઓફિસરની જરૂર છે. જોકે સરકાર તરફથી ખાતરી મળી છે કે, થોડા સમયમાં આ સમસ્યા દૂર થઈ જશે.
દરમિયાન યુનિના સૂત્રોના કહેવા મુજબ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મુખ્ય હિસાબી અધિકારી ડૉ. કીર્તિબા વાઘેલાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચાર્જ આપતાં તેઓ અઠવાડિયામાં માત્ર 2 દિવસ શુક્રવાર અને શનિવાર આવે છે. જેમાં પણ બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. જેથી દરરોજ આવતા 15થી વધુ બિલો લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિથી લઈને પટ્ટાવાળા સુધીનાનો પગાર સમયસર થતો નથી. ઉપરાંત 29 ભવનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા અધ્યાપકો, વિભાગનાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટ આધારિત બિન શૈક્ષણિક કર્મચારીઓ સહિત 550થી વધુના પગાર સમયસર થતા નથી. આ ઉપરાંત બાંધકામના કામો, ભવન અને વિભાગોના ખર્ચનુ ચુકવણું થવામાં લાંબો સમય લાગે છે.