
ગુજરાત સરકારે વિદ્યાર્થિનીઓ માટેની સાયકલોની ખરીદીમાં કર્યો 8,5 કરોડનો ભ્રષ્ટાચારઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સાયકલો આપવામાં આવે છે. દર વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા સાયકલોની ખરીદી કરવામાં આવતી હોય છે. વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષમાં 1.70 હજાર સાઈકલ ખરીદી કરવામાં આવી હતી. સાયકોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા હાલ સાયકલો ભંગાર હાલતમાં પડી છે. સરકાર દ્વારા સાયકલોનું વિતરણ ન કરાતા અનેક પ્રશ્નો ઊઠ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ સાયકલોની ખરીદીમાં 8.5 કરોડનો ભ્રષ્ટાચાર કર્યોનો સરકાર સામે આક્ષેપ કર્યો છે.
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધો. 9માં અભ્યાસ કરતી દિકરીઓને ઘરેથી શાળા સુધી જવા માટે સાઈકલ આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષમાં 1.70 હજાર સાઈકલ ખરીદીમાં મુખ્યમંત્રી કાર્યાલયની સીધી સૂચનાથી વધુ ભાવના ટેન્ડરની કંપનીને ઓર્ડર આપીને રૂ. 8.5 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે તેવો આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો હતો. અને સમગ્ર મામલે તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવાની માગ કરી હતી.
ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષમાં 1.70 લાખ સાઈકલોની ખરીદી માટે ચોક્કસ કંપનીનું ટેન્ડર પાસ થાય તેટલા માટે સ્પેસિફિકેશન બદલવામાં આવ્યા હતા. આ માટેની સીધી સુચના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી. ગ્રીમકો (ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લી.) દ્વારા સાઈકલ ખરીદી માટે પસંદ થયેલી કંપનીના ટેન્ડરનો ભાવ રાજસ્થાન કરતા રૂ. 587 અને પશ્વિમ બંગાળ કરતા રૂ.425 વધારે હોવાથી ટેન્ડર રદ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેની સામે વિરોધ થયો છતા તેને અવગણીને કેટલીક ચોક્કસ કંપનીને ફાયદો થાય તેવું કરવામાં આવ્યુ હતુ. જે સાઈકલ રાજસ્થાનમાં રૂ.3857માં મળે છે તે ગુજરાતમાં રૂ. 4444માં અપાય છે. આમ એક સાઈકલે રૂ. 500 વધારે ચુકવાય છે અને આ રીતે 1.70 લાખ સાઈકલ પાછળ 8.5 કરોડ વધુ ચુકવાયા છે. તેમણે કહ્યું હતું કે, નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થયું તેને એક મહિના જેટલો સમય થયો પણ હજ સુધી વિદ્યાર્થિનીઓને ગયા વર્ષની સાઈકલ મળી નથી, કારણ કે, ખરીદેલી સાઈકલની ક્વોલીટી સરકારી એજન્સીએ ચકાસણી કરી ત્યારે તે હલકી ગુણવત્તાની જણાઈ હતી. હાલ સાઈકલો ગ્રીમ્કોના ગોડાઉનમાં કાટ ખાઇ રહીં છે.