Site icon Revoi.in

હિંમતનગર રેલવે સ્ટેશન પર ઉદેપુર જતી ટ્રેનમાં 8 બાળકો ડરેલી હાલતમાં મળ્યા

Social Share

હિંમતનગરઃ શહેરના રેલવે સ્ટેશન પર આજે સોમવારે સવારે અસારવા-ઉદેપુર ટ્રેનમાંથી આઠ બાળક ડરેલી હાલતમાં મળી આવ્યા હતા. જીઆરપી પોલીસે બાળકોને આઉટ પોસ્ટ ખાતે લાવીને પૂછપરછ કરતા આઠ બાળકો પ્રાંતિજના મદ્રેસામાંથી ગત મોડી રાતના ભાગીને ચાલતા તલોદ પહોંચ્યા હતા. અને તલોદથી અસારવા-ઉદેપુરની ટ્રેનમાં બેઠા હતા. બાળકોએ મોવલીના ત્રાસથી ભાગ્યા હોવાનું નિવેદન આપતા પોલીસે મોલવીની અટક કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, પ્રાંતિજના સિનેમા રોડ સ્થિત જામીયા દારૂલ અહેસાન મદ્રેસામાંથી આઠ બાળકો રાત્રે 2:30 વાગ્યે ભાગી નીકળ્યા હતા. મદ્રેસામાં કુલ 45 બાળક અભ્યાસ કરે છે, જેમાંથી 34 બાળક પ્રાંતીય છે. ભાગેલા બાળકો ચાલતા-ચાલતા તલોદ પહોંચ્યા હતા. ત્યાંથી સવારે અસારવા-ઉદેપુર ઇન્ટરસિટી ટ્રેનમાં બેસી ગયા હતા. બાળકોનું કહેવું છે કે, મદ્રેસામાં તેઓને હેરાન કરવામાં આવી રહ્યા હતા, જેથી તેઓ ભાગી ગયા હતા.  હિંમતનગર રેલવે સ્ટેશન પર જીઆરપી અને આરપીએફની પેટ્રોલિંગ ટીમને ટ્રેનમાંથી ડરેલી હાલતમાં આ બાળકો મળી આવ્યા હતા. બાળકોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસે બે મોલવી અને બે વિદ્યાર્થીની પણ ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ ચાલુ છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

Exit mobile version