Site icon Revoi.in

દેશમાં માઓવાદી હિંસામાં 83 ટકાનો ઘટાડોઃ કેન્દ્રીય મંત્રી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે હરિયાણા રાજ્યના માનેસર જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા જૂથ (NSG) સંકુલની મુલાકાત લીધી હતી. માનેસરની મુલાકાત દરમિયાન, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે, તેમણે દેશમાં માઓવાદી હિંસામાં થયેલા ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 2010ની સરખામણીમાં દેશમાં માઓવાદી હિંસામાં 83% ઘટાડો થયો છે. તેમણે આ સફળતાનો શ્રેય મોદી સરકારની કડક નીતિઓ અને મજબૂત શાસનને આપ્યો હતો.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે મોદી સરકાર માર્ચ 2026 સુધીમાં “નક્સલ મુક્ત ભારત” ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ કોઈ સામાન્ય સંકલ્પ નથી, પરંતુ એક જન આંદોલન છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ NSG સંકુલમાં રાષ્ટ્રીય સુરક્ષા જૂથના કર્મચારીઓ માટે રહેણાંક સંકુલનો શિલાન્યાસ કર્યો અને નવા સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે NSG કમાન્ડોના ઓપરેશનલ પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી.

મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા જૂથ દેશની સુરક્ષાનું પ્રતીક છે. આતંકવાદ વિરોધી કામગીરીથી લઈને બોમ્બ નિષ્ક્રિય કરવા સુધી, NSG એ દરેક મોરચે પોતાની ક્ષમતા સાબિત કરી છે. ઓપરેશન સિંદૂરનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભારત હવે આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવા સક્ષમ છે.

મંત્રીએ કહ્યું કે આજે યુદ્ધ ફક્ત યુદ્ધના મેદાન સુધી મર્યાદિત નથી, પરંતુ સાયબર સ્પેસ અને માહિતીના મોરચે પણ લડવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, NSG ની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. સરકાર NSG ને AI, ડ્રોન ટેકનોલોજી અને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરી રહી છે જેથી તેઓ દરેક પડકારનો સામનો કરી શકે.

મોદી સરકાર 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખે છે, જે આતંકવાદ અને અરાજકતાથી મુક્ત હોય. આ માટે સુરક્ષા દળોને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મંત્રીએ કહ્યું કે દેશની સુરક્ષા અને સૈનિકોનું કલ્યાણ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

 

Exit mobile version