Site icon Revoi.in

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિમાં કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને બે લાખનો દંડ

Social Share

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને હીયરિંગ બાદ સજા કરવામાં આવી હતી. જેમાં કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને રૂપિયા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરીક્ષામાં કોપી કરનારા  વિદ્યાર્થીઓના ભવિષ્યના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ દરેક વિદ્યાર્થીને આપવામાં આવશે.  આ સાથે ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં ચોરીની વૃતિને દૂર કરી શકાશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામકના કહેવા મુજબ, યુનિવર્સિટીની પરીક્ષામાં આશરે 1.25 લાખ વિદ્યાર્થીઓએ 250 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. આ પરીક્ષાઓ દરમિયાન કુલ 89 જેટલા વિદ્યાર્થીઓ કાપલી કે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની મદદથી કોપી કરતાં પકડાયા હતા. ગેરરીતિ બદલ આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂ. 2 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના કૂલપતિના કહેવા મુજબ  પરીક્ષામાં કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને દંડ તો કરવામાં આવ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ગેરરીતિ ન કરે તે ખૂબ જરૂરી છે. આ માટે ભવિષ્ય કોપી કારણે તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપવામાં આવશે. ગીતામાં રહેલા સિદ્ધાંતો, કર્મનો સંદેશ અને નૈતિક મૂલ્યોનું તેમને માર્ગદર્શન મળે તે હેતુથી તેમનું ખાસ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે. આનાથી તેઓ માત્ર પરીક્ષામાં જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સન્માન અને ઈમાનદારીથી વર્તે તેવો યુનિવર્સિટીનો આશય છે. પરીક્ષામાં ગેરરીતિના કેસોની તપાસ ઇન્કવાયરી કમિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કમિટીએ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સાંભળીને તેમની સામેના આરોપોની તપાસ કરી હતી. જે વિદ્યાર્થીઓને હીયરિંગમાં બોલાવાયા હતા જેમાં  42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, તેમની સામે યુનિવર્સિટી નિયમો મુજબ આગળની કાર્યવાહી કરશે. જો જરૂરી જણાશે તો તેમને બીજી સુનાવણી માટે બોલાવવામાં આવશે અથવા ઉપલબ્ધ પુરાવાઓના આધારે કમિટી દ્વારા ચુકાદો આપવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ પહેલ શિક્ષણ જગતમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે, જ્યાં માત્ર સજા નહીં પણ સદભાવના અને નૈતિકતાનું શિક્ષણ આપવામાં આવે છે.

Exit mobile version