Site icon Revoi.in

તાપી-કરજણ લીફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ : ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે

Social Share

અમદાવાદઃ જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ. 651 કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે.

આજે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી પટેલે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણીનું એક પણ ટીંપુ વેડફાય નહીં અને ખેડૂતોને વધુ ને વધુ સિંચાઈની સુવિધા મળે એ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને અનેકવિધ સિંચાઈ યોજનાઓ અમલી બનાવી છે. તાપી-કરજણ લીફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે. જેમાં 212 મીટર ઊંચાઈ સુધી પાણી લિફ્ટ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના થકી સુરત અને ઉંમરપાડાના 73 ગામોમાં 53,748 એકર જમીનને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના 51 ગામોમાં 35,946 એકર વિસ્તાર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 22 ગામોમાં 17,802 એકર વિસ્તારનો સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે આ, યોજના થકી 99 હયાત ચેકડેમ તેમજ 4 નવા ચેકડેમો મળી કુલ 103 ચેકડેમોમાં પાણી ભરવામાં આવનાર છે આ યોજના હેઠળ ચાર પંપિંગ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં ત્રણ પંપિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થયું છે. જ્યારે બે પંપિંગ સ્ટેશનનું 70% કામ પૂર્ણ થયેલ છે જે સત્વરે પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું