ભારત પાસે દુનિયાના 22 દેશોએ કોવિડ-19ની રસીની કરી માંગણી
દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. બીજી તરફ કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. ભારતની કોરોનાની રસીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 22 દેશોએ ભારત પાસેથી કોવિડ-19ની રસીની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ભારત દ્વારા પડોશી મિત્રોને ભેટ સ્વરૂપે મોટી સંખ્યામાં કોરોનાની રસીનો જથ્થો મોકલાવ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વિશ્વના 22 દેશોએ ભારત પાસે કોવિડ-19ની રસીની માંગણી કરી છે. અને ભારતે વિવિધ દેશમાં અત્યાર સુધી કોરોનાની રસીના 56 લાખ ડોઝ દાનરૂપે મોકલ્યા છે. જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇજીપ્ત, મ્યાનમાર, નેપાળ, ભુટાન, નિકારગુઆ, ઓમાન, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, માલદિવ, અલ્જિરિયા સહિતનાં દેશોનો સમાવેશ થાય છે. 15 દેશોને પહેલાથી જ રસી મોકલવામાં આવી ચુકી છે. આ બધા દેશોમાં કેટલાક ડોઝ માત્ર મદદ માટે અને કેટલાક ડોઝ કોમર્શિયલ ધોરણે મોકલામાં આવ્યા છે. આ દેશોને 56 લાખ ડોઝ માનવિય મદદ તરીકે આપવામાં આવ્યા છે, તે ઉપરાંત 105 લાખ ડોઝ આર્થિક આધારે આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ પ્રથમ તબક્કામાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લાખો આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. તેમજ આગામી માર્ચ મહિનાથી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. આ ઉપરાંત ભારતમાં કોરોનાની વધુ એક રસી માટે અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહી છે. ભારતમાં ચાલી રહેલા રસીકરણના મહાઅભિયાનની નોંધ અમેરિકા સહિતના દેશોએ લીધી છે. એટલું જ નહીં ડબલ્યુએચઓએ પણ ભારત સરકારની કામગીરીના વખાણ કર્યાં હતા.


