
1952થી 2014ની લોકસભાની ચૂંટણીઓ આંકડાઓના આયનામાં: પરિણામો હતા નહેરુથી મોદી સુધીના પીએમની લોકપ્રિયતાની અગ્નિપરીક્ષા

2014 લોકસભાની ચૂંટણી
2014ની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી સરકારો બનવાની ભારતની રાજકીય તાસિરમાં એક મોટું પરિવર્તન હતું. 1989 બાદ પહેલીવાર કોઈ એક પાર્ટીને લોકસભામાં સ્પષ્ટ બહુમતી 2014ની લોકસભાની ચૂંટણીમાં મળી હતી. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની સ્થાપના બાદ ચોથી વખત સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. કોંગ્રેસને તેના ઈતિહાસની સૌથી કારમી હારનો સામનો કરવો પડયો હતો. એઆઈએડીએમકે, ટીએમસી અને બીજેડીને કોંગ્રેસની સરખામણીમાં પ્રાદેશિક પક્ષો હોવા છતાં સારી બેઠકો મળી હતી. જો કે ડાબેરીઓ, એસપી, બીએસપી અને આરજેડીનો મોટો રકાસ થયો હતો. 2014ની લોકસભાની ચૂંટણીના આંકડા પર એક નજર કરીએ.
2014
પક્ષ બેઠક વોટની ટકાવારી
ભાજપ 282 31.3 ટકા
કોંગ્રેસ 44 19.5 ટકા
એઆઈએડીએમકે 37 3.3 ટકા
ટીએમસી 34 3.9 ટકા
બીજેડી 20 1.7 ટકા
અપક્ષ 03 3.1 ટકા
અન્ય 123 37.2 ટકા
2009ની લોકસભાની ચૂંટણી
2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી અને યુપીએ ગઠબંધનને કોંગ્રેસના નેતૃત્વમાં સતત બીજી ટર્મ સરકાર બનાવી હતી. 2009માં સમાજવાદી પાર્ટી, બીએસપી, જેડીયુનું જોર બેઠકોમાં દેખાયું હતું. જો કે આરજેડીનો પ્રભાવ ઘટયો હતો. તો સીપીએમ-સીપીઆઈના પણ વળતાપાણી જોવા મળ્યા હતા. 2009ની લોકસભાની ચૂંટણીના આંકડા પર એક નજર કરીએ.
2009
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 206 28.6 ટકા
ભાજપ 116 18.8 ટકા
એસપી 23 3.4 ટકા
બીએસપી 21 6.2 ટકા
જેડીયુ 20 1.5 ટકા
અપક્ષ 09 5.2 ટકા
અન્ય 148 36.3 ટકા
2004ની લોકસભાની ચૂંટણી
2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી. પરંતુ ભાજપને કોંગ્રેસ કરતા માત્ર સાત બેઠકો ઓછી મળી હતી. પરંતુ રાજકીય અસ્પૃશ્યતાના કાળમાંથી બહાર આવી રહેલા ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનના નેજા હેઠળ સરકાર બની અને ડાબેરીઓના ટેકાથી બનેલી સરકારે આરોહ-અવરોહ સાથે ટર્મ પણ પૂર્ણ કરી હતી. પરમાણુ કરાર મુદ્દે ડાબેરીઓના સાથ છોડયા બાદ અમરસિંહની મદદથી સમાજવાદી પાર્ટી યુપીએની રાજકીય વ્હારે આવી હતી. આરજેડીનો પણ આ સરકારમાં ઘણો મોટો પ્રભાવ હતો. એક નજર કરીએ 2004ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
2004
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 145 26.5 ટકા
ભાજપ 138 22.2 ટકા
સીપીએમ 43 5.7 ટકા
એસપી 36 4.3 ટકા
આરજેડી 24 2.4 ટકા
અપક્ષ 05 4.2 ટકા
અન્ય 152 34.7 ટકા
1999ની લોકસભાની ચૂંટણી
કારગીલ યુદ્ધ બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 182 બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની અને અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળ એનડીએની સરકાર બની હતી. કોંગ્રેસ 114 બેઠકો સાથે બીજા ક્રમાંકે રહી હતી. સીપીએમ, ટીડીપી અને સમાજવાદી પાર્ટીનો પણ ખાસો રાજકીય પ્રભાવ હતો. પરંતુ વાજપેયીના નેતૃત્વને કારણે એનડીએની સરકારે પહેલી વખત ટર્મ પૂર્ણ કરી હતી.
પક્ષ બેઠક વોટની ટકાવારી
ભાજપ 182 23.8 ટકા
કોંગ્રેસ 114 28.3 ટકા
સીપીએમ 33 5.4 ટકા
ટીડીપી 29 3.6 ટકા
એસપી 26 3.8 ટકા
અપક્ષ 06 2.7 ટકા
અન્ય 153 32.4 ટકા
1998ની લોકસભા ચૂંટણી
ભાજપને 1998માં સૌથી વધુ 182 બેઠકો મળી હતી અને એનડીએ ગઠબંધને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. પરંતુ આ સરકાર 13 માસ બાદ ગઠબંધનની કમઠાણમાં પડ઼ી ગઈ હતી. ડાબેરી, સમાજવાદી પાર્ટી અને એઆઈએડીએમકેનો આ સમયગાળામાં મોટો રાજકીય પ્રભાવ જોવા મળ્યો હતો. 1998ની લોકસભાની ચૂંટણીના આંકડા પર નજર કરીએ.
1998
પક્ષ બેઠક વોટની ટકાવારી
ભાજપ 182 25.6 ટકા
કોંગ્રેસ 141 25.8 ટકા
સીપીએમ 32 5.2 ટકા
એસપી 20 4.9 ટકા
એડીએમકે 18 1.8 ટકા
અપક્ષ 06 2.4 ટકા
અન્ય 144 34.3 ટકા
1996ની લોકસભાની ચૂંટણી
1996માં રામલહેર પર સવાર ભાજપને સૌથી પહેલી વખત 161 બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા અને તેમને વિશ્વાસ મત નહીં મળવાની સ્થિતિમાં પદ પરથી રાજીનામું આપવું પડયું હતુ. ત્યારે અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં આપેલું અવિસ્મરણીય ભાષણ આજે પણ લોકો યાદ કરે છે. જનતાદળ, ડાબેરીઓ અને ટીએમસીનો રાજકીય પ્રભાવ જોવા મળ્યો હતો. એચ. ડી. દેવેગૌડા અને આઈ. કે. ગુજરાલના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ગઠબંધનની સરકારોની મર્યાદા અને દેશમાં રાજકીય અસ્થિરતાનો એક મોહાલ પણ જોવા મળ્યો હતો. એક નજર કરીએ 1996ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
1996
પક્ષ બેઠક વોટની ટકાવારી
ભાજપ 161 20.3 ટકા
કોંગ્રેસ 140 28.8 ટકા
જનતાદળ 46 8.1 ટકા
સીપીએમ 32 6.1 ટકા
ટીએમસી (એમ) 20 2.2 ટકા
અપક્ષ 09 6.3 ટકા
અન્ય 135 28.2 ટકા
1991ની લોકસભાની ચૂંટણી
લોકસભાની ચૂંટણી વખતે રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની શ્રીપેરામ્બદૂર ખાતે એલટીટીઈના આત્મઘાતી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલી હત્યાની અસર તળે કોંગ્રેસને ઉભી થઈ રહેલી બીજી રાજકીય ધરીના સમયગાળામાં પણ સત્તા પર આવવાની તક મળી હતી. પી. વી. નરસિંહરાવના નેતૃત્વમાં અલ્પમતવાળી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી હતી. લિબરલાઈઝેશન અને ગ્લોબલાઈઝેશનમાં નવી આર્થિક નીતિઓ લાગુ કરવાનું સમ્માન નરસિંહરાવની સરકારને મળે છે. તો બાબરી ધ્વંસ જેવી ઘટના અને જમ્મુ-કાશ્મીરમાં બેફામ બનેલો આતંકવાદ પણ આ સરકારના કાર્યકાળમાં ભારતની જનતાએ જોયા હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નરસિંહરાવની સરકારમાં નાણાં પ્રધાન હતા. જો કે કોંગ્રેસને 1991માં 244 બેઠકો મળી હતી. જ્યારે ભાજપનો ભારતની રાષ્ટ્રીય રાજકીય ક્ષિતિજ પર ઉદભવ રામલહેર પર સવાર થઈને થઈ રહ્યો હતો અને તેને 120 બેઠકો પ્રાપ્ત થઈ હતી. આ સમયગાળામાં ડાબેરીઓ અને જનતાદળનો રાજકીય પ્રભાવ પણ ખાસો જોવા મળ્યો હતો. એક નજર કરીએ 1991ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
1991
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 244 36.4 ટકા
ભાજપ 120 20.1 ટકા
જનતાદળ 59 11.7 ટકા
સીપીએમ 35 6.1 ટકા
સીપીઆઈ 14 2.5 ટકા
અપક્ષ 01 4.2 ટકા
અન્ય 61 19 ટકા
1989ની લોકસભાની ચૂંટણી
રાજીવ ગાંધીની સરકારમાં બોફોર્સ કાંડને કારણે સંરક્ષણ પ્રધાન પદ છોડનારા વી. પી. સિંહના નેતૃત્વમાં જનતાદળના નેજા હેઠળ બનેલા જનતા મોરચામાં ભાજપ સહીતના વિપક્ષી દળો જોડાયા હતા. 1984માં સૌથી મોટી જીત મેળવનારી કોંગ્રેસ 197 પર આવી ગઈ હતી. ભાજપના ટેકાથી જનતાદળની જનતા મોરચા સરકાર બની હતી. પરંતુ અડવાણીની રથયાત્રા અને મંડલ વિરુદ્ધ કમંડલના રાજકારણે વી. પી. સિંહની સરકારને લાંબો સમય ટકવા દીધી નહીં. તો 1989-90માં કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી ખદેડીને રાજ્યમાં આતંકવાદે માથું ઉચક્યું હતું. ચંદ્રશેખરની આગેવાનીમાં કોંગ્રેસના બહારથી આપેલા ટેકાથી સરકાર ચાલી, પણ ફોન ટેપિંગ વિવાદમાં આ સરકાર પણ આર્થિક તંગીના માહોલમાં સત્તા પરથી દૂર થઈ હતી. ચંદ્રશેખરની સરકારના કાર્યકાળમાં સોનું ગિરવે મૂકવાનો વારો આવ્યો હતો.
1989
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 197 39.5 ટકા
જનતાદળ 143 17.8 ટકા
ભાજપ 85 11.5 ટકા
સીપીએમ 33 6.5 ટકા
સીપીઆઈ 12 2.6 ટકા
અન્ય 12 5.3 ટકા
અન્ય 47 16.9 ટકા
1984ની લોકસભાની ચૂંટણી
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તેના ઈતિહાસની સૌથી મોટી જીત મળી અને 415 બેઠકો પ્રાપ્ત થઈ હતી. રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. જો કે ઈન્દિરા ગાંધીની હત્યામાં સહાનુભૂતિની લહેર સાથે કોંગ્રેસને આંધ્રપ્રદેશમાં એન. ટી. રામરાવની નવી સ્થપાયેલી ટીડીપી સામે વધુ સફળતા મળી નહીં અને ટીડીપીને આંધ્રમાં 30 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ટીડીપી ત્યારે સત્તાવાર વિરોધ પક્ષ હતો. ડાબેરીઓ પશ્ચિમ બંગાળમાં અને એઆઈએડીએમકેએ તમિલનાડુમાં પોતાનો રાજકીય પ્રભાવ જાળવી શક્યા હતા. જોકે ભાજપને આ ચૂંટણીમાં માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ હતી. એક નજર કરીએ 1984ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
1984
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 415 48.1 ટકા
ટીડીપી 30 4.1 ટકા
સીપીએમ 22 5.7 ટકા
એઆઈએડીએમકે 12 1.6 ટકા
અપક્ષ 13 9.4 ટકા
અન્ય 50 31.1 ટકા
1980ની લોકસભાની ચૂંટણી
કટોકટી બાદ સત્તા પર આવેલી જનતા પાર્ટીની મોરચાની સરકાર તૂટી પડતા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં જોરદાર વાપસીની તક મળી હતી. કોંગ્રેસ-આઈને 353 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જનતા પાર્ટીએ વિભાજીત થયા બાદ પણ સારો દેખાવ કર્યો હતો. ડાબેરીઓનો પણ પ્રભાવ જોવા મળ્યો હતો. પરંતુ 1980ની ચૂંટણી બાદ દેશમાં ફરીથી બે ટર્મ માટે કોંગ્રેસની સરકાર સત્તા પર આવી હતી.
1980
પક્ષ બેઠક વોટ
કોંગ્રેસ(આઈ) 353 42.7 ટકા
જેએનપી (એસ) 41 9.4 ટકા
સીપીએમ 37 6.2 ટકા
જેએનપી 31 19 ટકા
ડીએમકે 16 2.1 ટકા
અપક્ષ 09 6.4 ટકા
અન્ય 42 14.2 ટકા
1977ની લોકસભાની ચૂંટણી
કટોકટી બાદ યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં મા-દીકરા એટલે કે ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીને ભારતના લોકોએ તાનાશાહી સામે વોટિંગ કરતા પાઠ ભણાવ્યો હતો. ભારતીય લોકદળના નેજા હેઠળ જનતા મોરચાની સરકાર સત્તામાં આવી હતી. મોરારજીભાઈ દેસાઈ ભારતા વડાપ્રધાન બન્યા હતા. પરંતુ જનતા મોરચાની સરકારમાં ચરણસિંહ અને બાબુ જગજીવનરામ જેવા નેતાઓની વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષાઓએ જનતા મોરચાની સરકારને ટર્મ પુરી કરવા દીધી નહીં અને 1980માં લોકસભાની ચૂંટણી યોજવી પડી હતી.
1977
પક્ષ બેઠક વોટની ટકાવારી
બીએલડી 295 41.3 ટકા
કોંગ્રેસ 154 34.5 ટકા
સીપીએમ 22 4.3 ટકા
એડીકે 18 2.9 ટકા
એસએડી 09 1.3 ટકા
અપક્ષ 09 5.5 ટકા
અન્ય 35 10.2 ટકા
1971ની લોકસભા ચૂંટણી
પાકિસ્તાન સામે અભૂતપૂર્વ જીતને કારણે ઈન્દિરા ગાંધીની અપાર લોકપ્રિયતાના સમયગાળામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 352 બેઠકો મળી હતી. સીપીએમ-સીપીઆઈએ ડાબેરી મોરચાનો રાજકારણમાં પ્રભાવ જાળવી રાખ્યો હતો. તમિલનાડુમાં ડીએમકે અને ભારતીય જનસંઘને અનુક્રમે 23 અને 22 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
1971
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 352 43.7 ટકા
સીપીએમ 25 5.1 ટકા
સીપીઆઈ 23 4.7 ટકા
ડીએમકે 23 3.8 ટકા
બીજેએસ 22 7.4 ટકા
અપક્ષ 14 8.4 ટકા
અન્ય 59 26.4 ટકા
1967ની લોકસભા ચૂંટણી
1965ના યુદ્ધ અને લાલબહાદૂર શાસ્ત્રીના રહસ્યમયી નિધનની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના સંગઠનાત્મક ડખ્ખાના પ્રારંભકાળે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 283 બેઠકો સાથે સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. સ્વતંત્રતા પક્ષને 44 અને ભારતીય જનસંઘને 35 બેઠકો મળી હતી. ડીએમકેએ તમિલનાડુમાં પ્રભાવ જાળવી રાખ્યો હતો.
1967
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 283 40.8 ટકા
એસડબલ્યૂએ 44 8.7 ટકા
બીજેએસ 35 9.3 ટકા
ડીએમકે 25 3.8 ટકા
અપક્ષ 35 13.8 ટકા
અન્ય 98 23.6 ટકા
1962ની લોકસભા ચૂંટણી
કોંગ્રેસને 361 બેટકો પ્રાપ્ત થઈ હતી. સીપીઆઈને 29, સ્વતંત્રતા પક્ષને 18, જનસંઘને 14 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. આ લોકસભાની ચૂંટણી વખતે જવાહરલાલ નહેરુની લોકપ્રિયતામાં તેમની ચીન નીતિને કારણે ઓટ આવતી જોવા મળી હતી. પરંતુ તેનું કોંગ્રેસને બેઠકોની દ્રષ્ટિઓ કોઈ મોટું નુકસાન થયું નહીં.
1962
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 361 44.7 ટકા
સીપીઆઈ 29 9.9 ટકા
એસડબલ્યૂએ 18 7.9 ટકા
જેએસ 14 6.4 ટકા
અપક્ષ 20 11 ટકા
અન્ય 52 20.1 ટકા
1957ની લોકસભાની ચૂંટણી
લોકતાંત્રિક ભારતમાં બીજી ચૂંટણીમાં સ્વાભાવિકપણે કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે 47.8 ટકા વોટ અને 371 બેઠકો પ્રાપ્ત થઈ હતી. સીપીઆઈને 27 અને પ્રજા સોશયલિસ્ટ પાર્ટીને 19 અને ગણતંત્ર પરિષદને સાત બેઠકો પ્રાપ્ત થઈ હતી.
1957
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 371 47.8 ટકા
સીપીઆઈ 27 8.9 ટકા
પીએસપી 19 10.4 ટકા
જીપી 07 1.1 ટકા
અપક્ષ 42 19.4 ટકા
અન્ય 28 12.4 ટકા
1952ની લોકસભા ચૂંટણી
ભારતની પહેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 364 બેઠકો અને 45 ટકા વોટ મળ્યા હતા. એટલે કે ભારતની પહેલી લોકસભાની ચૂંટણી બાદ સરકાર બનાવનારી કોંગ્રેસ વિરુદ્ધ ભારતના 55 ટકા લોકોએ વોટ આપ્યા હતા. સ્વતંત્ર પક્ષને 12 અને કિસાન-મજદૂર પ્રજા પાર્ટીને 9 બેઠકો પ્રાપ્ત થઈ હતી. એક નજર કરીએ 1952ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
1952
પક્ષ બેઠક વોટની ટકાવારી
કોંગ્રેસ 364 45 ટકા
સીપીઆઈ 16 3.3 ટકા
એસપી 12 10.6 ટકા
કેએમપીપી 09 5.8 ટકા
અપક્ષ 38 15.9 ટકા
અન્ય 50 19.4 ટકા