1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના આ કપરાકાળમાં ગામડાના લોકોની મદદે આવેલા એક ફરિસ્તાની પ્રેરક વાત
કોરોનાના આ કપરાકાળમાં ગામડાના લોકોની મદદે આવેલા એક ફરિસ્તાની પ્રેરક વાત

કોરોનાના આ કપરાકાળમાં ગામડાના લોકોની મદદે આવેલા એક ફરિસ્તાની પ્રેરક વાત

0
Social Share

શૈલેષ સગપરિયા

અમદાવાદ: ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની ડો.રોહિત ભાલાળાએ એમ.બી.બી.એસ. અને એમ.ડી.કર્યા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં પીએચડી પણ કર્યું છે. રશિયન ભાષા પર પ્રભુત્વ ધરાવતા આ યુવા ડોક્ટર નિયમિત રીતે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં જેનો સમાવેશ થાય છે એવી મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે. જેને મોટા ભાગના ગુજરાતીઓ ઓળખે છે એવા હૃદયરોગના નિષ્ણાત ડોકટર પદ્મશ્રી ડો.તેજસ પટેલ સાહેબ સાથે એમણે દોઢ વર્ષ કામ કર્યું છે. નાની ઉંમરમાં મોટી સફળતા મેળવનાર ડો.રોહિત ભાલાળા અમદાવાદમાં મેડીકલ પ્રેક્ટિસ અને અન્ય વ્યવસાય દ્વારા અત્યારે મહિને 10 થી 12 લાખ કમાઈ લે છે.

થોડા દિવસ પહેલા મારા પર એનો ફોન આવ્યો. મને મિત્ર અને મોટાભાઈ તરીકે બધી વાતો ખુલીને કરે. ફોન પર વાત કરતા મને કહે, ‘શૈલેષભાઇ, કોરોનાને કારણે ગામડાના લોકોની દયાજનક સ્થિતિના સમાચાર સાંભળીને મને બહુ જ દુઃખ થાય છે. મને સતત એવું થાય છે કે હું આટલું બધું ભણ્યો પણ મારું આ ભણતર અને જ્ઞાન જે ગામડામાં ઉછરીને હું મોટો થયો એ ગામડાના સામાન્ય લોકોને મુશ્કેલીના અને એની જરૂરિયાતના સમયે કામમાં ન આવે તો મારું ભણેલું છું કામનું ? ગામડાના કોરોનાગ્રસ્ત લોકો માટે મારે કાંઈક કરવું છે.’ ડો.રોહિતની વાત સાંભળીને મને એવું લાગ્યું કે ગામડાના લોકો માટે કદાચ કોઈ આર્થિક મદદની વાત કરશે પણ એમણે જે વાત કરી એ સાંભળીને મારી આંખો પણ ભીની થઇ ગઇ.

મને કહે, ‘અમદાવાદમાં લોકોની સારવાર કરનારા બીજા ઘણા છે. હું અહીંયા હોવ કે ના હોવ એનાથી અમદાવાદને બહુ ફેર નહીં પડે પણ હું ગામડે આવી જઈશ તો ત્યાંના લોકોને ઘણો ફેર પડશે એવું મને લાગે છે. હું જે કોર્પોરેટ હોસ્પિટલમાં નોકરી કરું છું ત્યાંથી રાજીનામુ આપીને અને મારી પોતાની કલીનીક પણ બંધ કરીને મોવિયા આવી જાવ છું. આપણે સૌ સાથે મળીને એક કોવિડ કેર સેન્ટર બનાવીએ અને વતનના લોકોની વિનામૂલ્યે સેવા કરીએ. ગુરુ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાંથી આપણે એ જ શીખ્યા છીએ કે ટાણાની સેવા કરી લેવી.’

મેં કહ્યું, ‘ આપણે લોકોને ફ્રીમાં સારવાર આપવી હોય તો હોસ્પિટલ ચાલુ કરવા મોટું ફંડ પણ જોઈશે એ ફંડનું શુ કરીશું ?’ મને કહે, ‘આપણું કામ જોઈને ગામલોકો અને અન્ય લોકો પણ આપણને જરૂરથી મદદ કરશે અત્યારે મારી જે કાંઈ બચત છે એ બધી બચત લઈને હું આવી જાવ છું પણ મારે વતનના જરૂરિયાતમંદ લોકો માટે કાંઈક કરવું છે’

મિત્રો, ડો.રોહિત ભાલાળા પોતાની લાખો રૂપિયાની પ્રેક્ટિસ છોડીને અને પોતાની અંગત બચત (મકાન લેવા માટે ભેગી કરેલી રકમ) સાથે લઈને અમદાવાદથી ગામડે આવી ગયા છે. ડો.રોહિત ભાલાળાના ધર્મપત્ની ડો.ભૂમિ ગઢિયાએ પતિના નિર્ણયને દિલથી વધાવ્યો. ડો.રોહિતના માતાની તો આ હૃદયની ઈચ્છા હતી કે એનો દીકરો ગામડાના ગરીબ માણસો માટે કંઈક કરે કારણકે એમણે ગરીબાઈનો બધો અનુભવ કર્યો હતો. ડો.રોહિત ભાલાળાના મિત્રોએ પણ તમામ રીતે સહયોગ આપ્યો જેના પરિણામે તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી ગામના આગેવાનો અને યુવાનો સાથે મળીને ગામમાં જ તમામ પ્રકારની સારવાર મળી રહે એવુ કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની તૈયારીમાં લાગી ગયા છે.

લોકો પાસેથી દાન મળે કે ના મળે અત્યારે તો લાખોની કિંમતના મેડિકલ સાધનો પોતાના ખર્ચે ઓર્ડર પણ કરી દીધા છે બે-ચાર દિવસમાં આ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ જશે. ડો.રોહિત ભાલાળાએ કોરોનાગ્રસ્ત કેટલાય જજોને પણ રોગમુક્ત કર્યા છે હવે 4 એમબીબીએસ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સાથે તેમજ જુદી જુદી 12 સમિતિઓના સંકલન દ્વારા ગ્રામ્યવિસ્તારના લોકો માટે અનોખો સેવા યજ્ઞ કોઈ જાતના ચાર્જ વગર ચલાવશે. આ કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી, લેબોરેટરી, દવાઓ, ઓક્સીઝન બેડ, બાઇપેપ વગેરે જેવી આધુનિક હોસ્પિટલમાં મળે એવી સેવાઓ મળી રહે તે માટે દિલથી પ્રયત્ન કરી રહ્યા છે.

ડો.રોહિત ભાલાળા સાવ સામાન્ય પરિવારમાથી આગળ આવેલો યુવાન છે. એનો અભ્યાસ ચાલુ હતો ત્યારે જ એના પિતાનું અવસાન થયેલું. તેજસ્વી વિદ્યાર્થીની કારકિર્દી રોળાઈ ન જાય એટલે તે વખતે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે એમના ભણવાની બધી વ્યવસ્થા કરેલી અને અભ્યાસ ચાલુ રખાવેલો. ગુરુએ કરેલી મદદ અને આપેલા સંસ્કારો આજે અનેકગણા થઈને સમાજને પરત મળી રહ્યા છે.

આવા ઉમદા કાર્યમાં જો આપ આર્થિક સહયોગ દ્વારા ગ્રામ્યવિસ્તારના લોકોની સારવારમાં મદદરૂપ થવા અને ડૉ.રોહિત ભાલાળાના સેવા કાર્યને ટેકો આપવા માંગતા હોય તો બેન્ક ખાતાની વિગત સામેલ છે.

Bank Name : State Bank of India
Account Name : રામગરબાપુ ગૌ સેવા ટ્રસ્ટ – મોવિયા
Account No. 56084000519
IFSC code : SBIN0060084

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code