1. Home
  2. ગુજરાતી
  3. કોરોના મહામારી મુદ્દે ગ્રામીણ વિસ્તારમાં વધારે ધ્યાન આપવાની જરૂરઃ હાઈકોર્ટે કરી ટકોર

કોરોના મહામારી મુદ્દે ગ્રામીણ વિસ્તારમાં વધારે ધ્યાન આપવાની જરૂરઃ હાઈકોર્ટે કરી ટકોર

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવતા હાઈકોર્ટે રાજ્ય સરકારેને રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે વેધક સવાલ કર્યાં હતા. આ ઉપરાંત સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં તેવી હાઇકોર્ટે ટકોર કરી હતી.

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી છે. સરકારના આયોજનના ભાગરૂપે રજૂ કરાયેલા સોગંદનામાની સામે સિનિયર વકીલોએ રજૂઆત કરી છે. સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, કોરોનાની ચેન બ્રેક કરવા માટે સરકાર પાસે આયોજન નથી તેમજ લીડરશિપનો અભાવ છે. લીડરશિપ એવી જોઈએ કે જે આગામી સમયની સ્થિતિને સમજી પગલાં લઇ શકે, પણ એવાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. ટેસ્ટિંગમાં વગર કોઈ કારણે ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

એડવોકેટ જનરલે ટેસ્ટિંગ પર જણાવ્યું હતું કે, 26 માંથી 15 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ થઈ ગયા છે. 6 યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં ટેસ્ટિંગ શરૂ થઈ જશે. રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની માંગ ઘટી છે. હાઈકોર્ટે સરકારને કહ્યું, માત્ર કાગળ પર કામ ન થવું જોઈએ, જમીની હકીકતમાં પણ ટેસ્ટિંગ થવા જોઈએ. જ્યાં પુરતી સુવિધાઓ નથી અને ગ્રામીણ વિસ્તારમાં કેસો વધી રહ્યા છે તેના માટે શું કરી રહ્યા છો? પૂરતી વિગતો સોગંદનામું કરીને રજૂ કરો.

હાઈકોર્ટે તાકીદ કરી હતી કે, રોજના 25 હજાર રેમડેસિવિરની જરૂર છે. સામે 16115 જેટલા ઇન્જેક્શન જ આવે છે. શું ઇન્જેક્શનના અભાવે સરકાર દર્દીઓને મરવા દેશે? આ પ્રશ્નનો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ જવાબ આપવો પડશે.

તેમણે વધુમાં કહ્યું, અમારી માહિતી પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં એક એક ગામમાં રોજના 4 થી 5 લોકો મરે છે. એમના ટેસ્ટ થયા નથી હોતા. એમને ટેસ્ટ કરાવવાની જાણકારી પણ હોતી નથી. તેના માટે સરકાર શું કરી રહી છે? રેમડેસિવિરના વિતરણ પાછળનું શું મિકેનિઝમ છે? રાજ્યની નીચલી ડિમાન્ડ છે તે શા માટે પૂરી નથી થઈ રહી? ઇન્જેક્શનના અભાવે આવા દર્દીઓને મરવા છોડી દેવા યોગ્ય નહીં. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ કો-ઓર્ડીનેશન દેખાતું નથી. સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં. ગ્રામીણ વિસ્તાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code