
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના દ્વાર ભક્તો માટે 10મી જુન સુધી બંધ રહેશે
દ્વારકાઃ કોરોનાની બીજી લહેર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક લોકો કોરોનાની ઝપટે ચડ્યા હતા આથી દ્વારકા વહીવટી તંત્ર અને દેવસ્થાન સમિતિ દ્વારા દર્શનાર્થીઓના હિતમાં તાબડતોબ નિર્ણય લઈ 12 એપ્રિલથી જગત મંદિર બંધ કારવા અંગે નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ વર્તમાન સમયમાં કોરોનાના કેસ ઘટ્યા હોવા છતાં સાવચેતીના ભાગરૂપે આગામી તા. 10 જૂન સુધી જગત મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવા નિર્ણય કરાયો છે.
કોરોનાનું સંક્રમમ વધતા જેની ગંભીરતાને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર તથા દેવસ્થાન સમિતિ દ્વારા 12 એપ્રિલથી સુપ્રસિદ્ધ જગત મંદિરના દ્વાર ભકતો માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ હાલની સ્થિતિએ કોરોનોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પ્રકારનું જોખમ લેવા ન માગતું હોય, મંદિરમાં દર્શનાર્થીઓના પ્રવેશ પરના પ્રતિબંધની અવધિ વધારી છે. આગામી તા.10 જૂન સુધી જગત મંદિરનાં દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા ભોગ આરતી સહિતના નિત્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. આ તમામ કાર્યક્રમનું મંદિર વેબ સાઈટ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. જેથી ભાવિકો ઘરે બેઠા પણ સોશ્યલ મીડિયા મારફત તમામ પહોરની આરતી, ભોગ સહિતના પૂજનવિધિ કાર્યક્રમના દર્શન કરી શકે છે.