દિલ્હીઃ દેશમાં કોલસાની અછતના કારણે અનેક રાજ્યોમાં વીજળી કાપની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ કોલસાનું ઉત્પાદન વધારવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. જો કે, આ વખતે કોલસાનું ઉત્પાદન પહેલાની સરખામણીએ 19.33 ટકા જેટલુ વધ્યું છે. બીજી તરફ વીજળીની માંગ અને ઉત્પાદનમાં પણ વધારો છે. ત્યારે કોલસાની અછતના કારણે ભારતના પડોશી દેશોની શુ પરિસ્થિતિ છે તેની ઉપર કરીએ એક નજર…
પાકિસ્તાનઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં મોટાભાગની વીજળી ઉત્પાદન હાઈડલ પાવર પ્લાન્ટ અને એલએનજી મારફતે થાય છે. જો કે, આ વખતે અહીં વરસાદની અછતને કારણે તથા આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાકૃતિક ગેસની કિંમતમાં થયેલા વધારાને પગલે વિજળી ઉત્પાદનમાં અસર જોવા મળી રહી છે. અહીં માત્ર છ ટકા વિજળી કોલસાની મદદથી ઉત્પાદન થાય છે. કોલસાની કિંમતની અસર અહીં વિજળી ઉત્પાદનમાં જોવા મળે છે.
શ્રીલંકાઃ અહીં કોલસાની મદદથી જ વીજળીનું ઉત્પાદન થાય છે. પરંતુ ભારે વરસાદ સહિત અન્ય સમસ્યાઓને કારણે વીજળીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. જેથી પાવર કટની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યાં છે. સરકારે જણાવ્યું છે કે, દેશમાં વીજળીની માંગ દર વર્ષે પાંચ ટકા વધી રહ્યો છે. તેમજ વીજળી ઉત્પાદન ઝડપથી વધતું નથી.
ચીનઃ અહીં ભારતની જેમ વીજળીની સમસ્યા ઉભી થઈ છે. અહીં કોલસો લગભઘ 223 રૂપિયો પ્રતિટન થઈ ગયો છે. કોલસાની અછતના કારણે વીજળી ઉત્પાદન ઉપર અસર થઈ છે. દેશના મોટાભાગના જિલ્લાઓમાં જોરદાર વીજળી કાપ કરવામાં આવી રહી છે. વીજળી સંકટને ધ્યાનમાં રાખીને ખાદ્ય પ્રસંસ્કરણ સહિત કેટલાક બીજા પ્લાન્ટને હાલના સમયમાં બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
જાપાનઃ અહીં કોલસો, ગેસ અને કાચા તેલની કિંમતોમાં થયેલા વધારાને પગલે અહીં વીજળીની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. અહી વીજળીની કિંમત રૂ. 33 પ્રતિ યુનિટ છે. રાંધણ ગેસ અને તેલની કિંમતમાં થયેલા વધારાની અસર અહીં ખાદ્ય વસ્તુઓ પર પડી રહી છે. તેના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

