
કચ્છ સરહદ મારફતે પાકિસ્તાનમાં જવાનો પ્રયાસ કરતો બાંગ્લાદેશી કિશોર ઝડપાયો
અમદાવાદઃ કચ્છની લખપત સરહદ ઉપરથી બીએસએફના જવાનોએ 17 વર્ષિય કિશોરને ઝડપી લીધો હતો. આ કિશોર ત્રિપુરાથી ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી હતી. તેમજ કચ્છ સરહદેથી પાકિસ્તન જવા માંગતો હતો. જો કે, તે પહેલા જ સુરક્ષા જવાનોએ તેને ઝડપી લઈને પૂછપરછ આરંભી છે.
પ્રાથમિક માહિતી અનુસાર બાંગ્લાદેશનો 17 વર્ષિય મહંમદ નામનો કિશોર ત્રિપુરાની સરહદથી ભારતમાં ઘુસણખોરી કરી હતી. બાંગ્લાદેશના કોમિલાના ભુરિયાંગ ગામમાં રહેતો મહંમદ ત્રિપુરાથી ગુજરાત આવ્યો હતો. તેમજ અમદાવાદથી કચ્છના ભુજ પહોંચ્યો હતો. તેમજ પાકિસ્તાનમાં ઘુસણખોરી કરવા માટે લખપત સરહદે ગયો હતો. દરમિયાન પેટ્રોલીંગ કરતી બીએસએફની ટીમે તેને ઝડપી લીધો હતો. તેમજ તેની પૂછપરછ કરતા તે પાકિસ્તાનથી ઈરાન-ઇરાક જવા માંગતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે કિશોરની તપાસ કરતા તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ના હતી. જો કે, સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તેની પૂછપરછ આરંભી છે. બીએસએફએ આ કિશોરને પોલીસને સોંપ્યો હતો જયાંથી તેને ભુજ મઘ્યે જેઆઈસીમાં ખસેડાયો છે.