અમદાવાદઃ ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા બુટલેગરોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન રાજધાની ગાંધીનગરમાં દારૂની એક મહિફીલ ઉપર છાપો મારીને 9 યુવતી સહિત 13 નબીરાઓને ઝડપી લીધા હતા. પોલીસે તમામના મેડિકલ કરાવવાની કવાયત શરૂ કરી હતી. પાર્ટીમાં નબીરાઓ ડ્રગ્સનું સેવન કરતા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર નજીક સરગાસણની હોસ્પિટલની પાછળ આવેલા એફોર્ડના રૂમ નંબર 501માં દારૂની મહેફિલ ચાલતી હતી. આ પાર્ટી અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે દારૂની મહેફિલ ઉપર છાપો માર્યો હતો. જેથી દારૂની મહેફિલ માણતા નબીરાઓમાં નાસબાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ ઉપરથી દારૂની મહેફિલ માણતી ચાર યુવતી અને ચાર યુવાનોને ઝડપી લીધા હતા. આમ પોલીસે 13 વ્યક્તિઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂની મહેફિલમાં યુવકો સાથે યુવતીઓ પણ સામેલ હતી. જ્યારે પોલીસને મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો પણ મળી આવી છે. આ પાર્ટીમાં દારૂની સાથે નબીરાઓ ડ્રગ્સ પણ લઈ રહ્યાં હોવાની શંકા છે. આથી પોલીસે તે દિશામાં પણ આગળની તપાસ હાથ ધરી છે. આ દારૂની મહેફિલમાં પાર્થ નામનો યુવાન મુખ્ય સુત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા નશીલા દ્રવ્યો અને દારૂની હેરાફેરીને અટકાવવા અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં જ પોલીસે કરોડોનું ડ્રગ્સ ઝડપી લીધું હતું. આ ઉપરાંત દારૂની હેરાફેરી અટકાવવા માટે ઠેર-ઠેર નાકાબંધી અને સઘન વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ દારૂની હેરાફેરી માટે બુટલેગરો પણ પોલીસથી બચવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે.
(Photo-File)