
ગુજરાતના જુદા જુદા શહેરો નજીક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવીને એક લાખ રોજગારીનું સર્જન કરાશે
અમદાવાદઃ રાજ્યમાં વધુને વધુ મુડી રોકાણો આવે અને તેના લીધે નવી રોજગારીનું સર્જન થાય તે માટે સરકારે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. સાથે જ નવ યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરી શકે તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વાઈબ્રન્ટ સમિટના આરંભ પૂર્વે જ નવમી જાન્યુઆરીએ સ્ટાર્ટ અપ સમિટ યોજાશે. આ સમિટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. તેમાં દેશ-વિદેશના સ્ટાર્ટઅપ સપોર્ટર્સ એક મંચ પર એકત્રિત થશે. દેશ-વિદેશના સ્ટાર્ટઅપ એક મંચ પર આવતા આત્મનિર્ભર ગુજરાતને નવું બળ મળશે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. જ્યારે વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડે પણ ગુજરાતના શહેરોમાં વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. જેના લીધે ગુજરાતમાં એક લાખ રોજગારીનું સર્જન થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આઈ-ક્રિયેટ અમદાવાદ ખાતે પ્રી –વાઈબ્રન્ટ સ્ટાર્ટ અપ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભારતીય અને વિદેશી સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ એક મંચ પર ઉપસ્થિત થશે. પરિણામે સ્ટાર્ટ-અપને વધુ પ્રોત્સાહન મળશે. કેન્દ્રના વેપાર અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલ અને ગુજરાતના ખાણ અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ સમિટને સંબોંધ કરશે. આ સ્ટાર્ટ અપ સમિટમાં ઇઝરાયલ પણ ભાગીદાર બનશે. દરમિયાન વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યું કે, ઉદ્યોગ સાહસિકોને તેમને પડતી તકલીફો નિવારવા માટે ગુજરાતમાં પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવશે. તબક્કાવાર રાજ્યના જુદા જુદા શહેરોમાં પાર્ક બનાવવામાં આવશે. સમગ્ર પ્રોજેકટ 4500 કરોડનો છે. પાર્ક ડેવલપ થયા બાદ 20 હજાર કરોડનું રોકાણ થશે. ગુજરાતના જુદા જુદા શહેરોમાં સ્થાપિત પાર્કના કારણે એક લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
પટવારીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં શરૂઆતમાં ખંભાત તાલુકાના ગોલાણાં ગામ પાસે પાર્ક ઊભો કરાશે. આ પાર્કમાં 1 હજાર હેકટરમાં અંદાજે 600 જેટલા વિવિધ ઉદ્યોગોને વિકાસ પામવાની તક મળશે. 5મી ફેબ્રુઆરીએ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવશે. આ પાર્ક માટેની 1350 એકર જમીન સંપાદિત થઈ ગઈ છે. 600 એકરમાં સંપાદિત માટેની કાર્યવાહી થઈ રહી છે. જાન્યુઆરીના અંત સુધીમાં પ્રોજેકટને લગતી કાર્યવાહી પૂર્ણ થઈ જશે. અગ્રણી ઉધોગકારો દ્વારા બનાવવામાં આવેલી વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડમાં દરેક ઇન્ડસ્ટ્રીઝના લોકો જોડાયેલા છે. અત્યારસુધીમાં 50 કરોડથી વધુનું રોકાણ થયું છે. અત્યારે પ્રથમ તબક્કામાં 19 લોકો જોડાયા છે. પરંતુ આ અંગેની જાણ દરેકને કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ 500 ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેકટમાં જોડાશે તેવો દાવો તેમણે કર્યો હતો.