અમદાવાદઃ ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે ઘરમાં પહાડી પોપટ રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. એટલે પહાડી પોપટનું વેચાણ પણ વધતું જાય છે. અમદાવાદ શહેરમાં 80 જેટલા પહાડી પોપટ વેચવા માટે મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા હતા.એક એનજીઓના કાર્યકર્તાઓએ પોપટ વેચવાનું રેકેટ પકડીને મહિલાને વન વિભાગના હવાલે કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશના ઇન્દોરથી અમદાવાદ આવેલી ખાનગી લકઝરી બસમાં 4 પાર્સલ આવ્યા હતા. આ પાર્સલ લઇને એક રિક્ષા ચાલક રાયપુર આવ્યો હતો. જ્યાં સવિતાબહેન પટણી તેમાં બેસી ગયા હતા. આ સમયે શહેરની ખાનગી એનજીઓ સર્વ ધર્મ રક્ષક ટ્રસ્ટના ટ્રસ્ટી જૈમીન શાહ તેમજ તેમના કર્મચારીઓએ દરોડો પાડીને તપાસ કરતા રિક્ષામાં મળી આવેલા પાર્સલમાં 80 પહાડી પોપટ હતા. આ પોપટને ક્રુરતા પૂર્વક નાના પાંજરાઓમાં પુરવામાં આવ્યા હતા. આ મહિલા અને રિક્ષા ચાલકને વન વિભાગના અધિકારીઓને સોંપવા છતાં રિક્ષા ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો, જ્યારે મહિલા સામે સામાન્ય ગુનો નોંધી કોર્ટમાં હાજર કરતા તે મહિલાને પણ જામીન મળી ગયા હતા. આમ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વન વિભાગની રહેમ નજર હેઠળ શહેરમાં શિડ્યુલ પક્ષીઓનો વેપાર મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. શહેરની એનજીઓ સર્વ ધર્મ રક્ષક ટ્રસ્ટના ટ્રસ્ટી જૈમીન શાહને મળેલી બાતમીના આધારે શહેરના એલ.જી. હોસ્પિટલ પાસે વોચ ગોઠવીને બેઠા હતા. આ સમયે બે ખાનગી બસમાં ચાર પાર્સલ આવ્યા હતા. આ પાર્સલ લેવા માટે એક રિક્ષા ચાલક આવ્યો હતો. રિક્ષા ચાલકે ચાર પાર્સલ રિક્ષામાં મુકીને રિક્ષા લઇને રાયપુર આવ્યો હતો, જ્યા પહેલાથી જ સવિતાબહેન વિનોદભાઇ દંતાણી રિક્ષાની રાહ જોઇને ઊભા હતા. રિક્ષા આવતાની સાથે જ સવિતાબહેન રિક્ષામાં બેસી જાય છે. આ સમયે જૈમીન શાહ અને તેમની ટીમે રિક્ષા ઊભી રખાવીને પાર્સલ ખોલાવતા તેમાંથી 80 પહાડી પોપટ મળી આવ્યા હતા. આ મહિલા પહેલા પણ 5થી 6 વખત પકડાઇ ગઇ છે. સવિતાબહેન સમગ્ર શહેરમાં પહાડી પોપટ સહિતના પક્ષીઓ સપ્લાય કરે છે. વન વિભાગ દ્વારા પક્ષીઓનો ધંધો કરતા લોકોને પકડવાની કામગીરી કરાતી નથી,