Homeગુજરાતીગુજરાતકોરોનાના કેસ ઘટ્યા પણ ધો.1થી 9ની શાળાઓમાં 5મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન...

કોરોનાના કેસ ઘટ્યા પણ ધો.1થી 9ની શાળાઓમાં 5મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. છતા વિદ્યાર્થીના હિત માટે રાજ્ય સરકારે શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટી લીધેલા નિર્ણય અંગે જણાવ્યું હતું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.

ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યુ હતુ કે, કોર કમિટીની બેઠકમાં સ્કૂલો ખોલવા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, મને કોઈ સૂચના હજુ સુધી મળી નથી. નોંધનીય છે કે રાજ્યમાં 1થી 9ની શાળાઓમા કોરોના કેસ વધતાં 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. આ મુદત આજે પૂરી થઈ ગઈ છે. એટલે હવે 5મી ફેબ્રુઆરી સુધી ધો.1થી9ની શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા છે. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદ શિક્ષણ વિભાગના સુત્રોએ પહેલાં જ કહ્યું હતું કે હમણાં સરકાર કોઈ રિસ્ક નહીં લે, અત્યારે પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. કોરોનાના કેસ સંપૂર્ણ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી સ્કૂલો શરૂ નહીં કરે.

 

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img