 
                                    જગન્નાથજીની રથયાત્રાઃ મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, 2 લાખ શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો
અમદાવાદઃ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં છે. ભગવાનની રથયાત્રા સરસપુર પહોંચી હતી. જ્યાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું ભવ્ય મામેરુ કરવામાં આવ્યું હતું. સરસાપુરમાં ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. વિવિધ પોળમાં ઉભા કરવામાં આવેલા રસોડામાં રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો સહિતના લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ આરોગ્ય હતો.
ભગવાનના મોસાળ સરસપપુરમાં કુલ 15 રસોડા તૈયાર કરાયા હતા. અહીં બે લાખથી વધુ ભક્તો પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડીનું ભોજન લીધુ હોવાનો અંદાજ છે. સરસપુરની મોટી સાળવી વાડ, લીમડા પોળ, કડીયા વાડ, ગાંધીની પોળ, વડવાળો વાસ, આંબલી વાડ, ઠાકોર વાસ, તળિયાની પોળ, પીપળા પોળ, લુહાર શેરી ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ માટે બૂંદી-ફૂલવડીનો પ્રસાદ તૈયાર કરાયો છે.
રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. તેમજ સીસીટીવી અને ડ્રોન મારફતે સમગ્ર રૂટ ઉપર નજર રાખવામાં આવી હતી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

