1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીની કોઇપણ પરીક્ષામાં હવે જનરલ નહીં પણ ઈન્ટરનલ ઓપ્શન અપાશે

ગુજરાત યુનિવર્સિટીની કોઇપણ પરીક્ષામાં હવે જનરલ નહીં પણ ઈન્ટરનલ ઓપ્શન અપાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડીકેટની બેઠક મળી હતી. જેમાં એકેડેમિક કાઉન્સિલમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે  આપેલા જનરલ ઓપ્શન હવે પછી બંધ કરીને બે વર્ષ પહેલા જે પદ્ધતિ હતી તે પ્રમાણે 70 માર્કસ અને ઇન્ટરનલ ઓપ્શન આપવામા આવશે. એટલે કે અત્યાર સુધી એક્સટર્નલ ઓપ્શન આપવામાં આવતું હતુ તે હવે બંધ કરી દેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી એકેડેમિક કાઉન્સિલમાં છેલ્લા કેટલાય વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને કોમર્સમાં ગ્રેજયુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, પીએચડી સુધીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની માર્કશીટમાં માત્ર કોર ઇલેક્ટીવ, ઓપ્શનલ અને સ્પેશ્યાઇઝ વિષયોની જ નોંધ કરવામાં આવતી હતી. એટલે કે પ્રિન્સિપાલ સબ્જેક્ટ માર્કશીટમાં દર્શાવવામાં આવતો નહોતો. કોઇ ઉમેદવારે સ્ટેટેસ્ટીક્સમાં પીએચડી કર્યું હોય તો તેની માર્કશીટમાં માત્ર કોમર્સ લખવામાં આવતું હતુ. આ ઉમેદવાર નોકરીમાં જાય તો તેની ડિગ્રીમાં સ્પેશ્યલ વિષયનો ઉલ્લેખ ન હોવાથી તેને ભારે મુશ્કેલી પડતી હતી. છેલ્લા કેટલાય વર્ષોમાં યુનિવર્સિટી પાસે આ પ્રકારના અનેક કેસો આવતાં કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.જશવંત ઠક્કર દ્વારા હવે પછી માર્કશીટમાં જ પ્રિન્સિપાલ સબ્જેક્ટનો ઉલ્લેખ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને બેઠકમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સેમેસ્ટરથી જ માર્કશીટમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ અગાઉ પાસ થઇ ગયા છે અને નોકરી માટે કોઇ મુશ્કેલી ઉભી થાય તો યુનિવર્સિટી દ્વારા હાલ કયા વિષય સાથે બી.કોમ કર્યું છે તે પ્રકારનું સર્ટિફિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  અત્યાર સુધી વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર વિષય સાથે પીએચડી થઇ શકતાં નહોતા, માત્ર સાયન્સના વિદ્યાર્થીઓ જ આંકડાશાસ્ત્રમાં પીએચડી થતાં હતા. કોમર્સના વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર સાથે પીએચડી કરે તો પણ કોમર્સ ફેકલ્ટીના કારણે કોમર્સનો જ ઉલ્લેખ કરાતો હતો. હવે પછી કોમર્સના સ્ટેટેસ્ટીક્સના વિદ્યાર્થીઓના પીએચડીમાં પણ આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવશે.

આ સિવાય કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓના કોર્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તે હવે બંધ કરીને સંપૂર્ણ કોર્સમાંથી જ પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતુ. જેની સાથે હવે જનરલ ઓપ્શન પણ બંધ કરી દેવામાં આવશે. બે વર્ષ પહેલા જૂની પધ્ધતિ હતી તે પ્રમાણે ઇન્ટરનલ ઓપ્શન ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત આર્ટસ,કોમર્સ અને સાયન્સ,લૉ, બી.એડ સહિતની ફેકલ્ટી માટે પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જે આગામી દિવસોમાં કોલેજનો મોકલી આપવામાં આવ્યા બાદ તે પ્રમાણે ઇન્ટરનલ પરીક્ષા અને યુનિવર્સિટીની પરીક્ષા કયારે લેવામાં આવશે તેનો નિર્ણય કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code