
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જઈ રહ્યાં છે અને અંબાજી તરફના માર્ગો ‘જય અંબે’ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દરમિયાન આજથી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.
અંબાજી મંદિરના પૂજારીઓએ મંત્રોચ્ચાર કરી અને જિલ્લા કલેક્ટરના હસ્તે રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતી. અહીં આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમવખત અહીં આદિવાસી દીકરીઓના હસ્તે માતાજીના રથનું અંબાજીના સિંહ દ્વારથી પ્રસ્થાન કરાવાયું હતું.
અંબાજીમાં કોરોના મહામારીને પગલે બે વર્ષ સુધી ભાદરવી પૂનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ચાલુ વર્ષે કોરોના નિયંત્રણમાં હોવાથી બે વર્ષ બાદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહામેળામાં રાજ્યભરમાંથી 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે બીજી તરફ શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તેવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને પાંચ જેટલા વોટરપ્રુફ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. તો શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્રએ પ્રાથમિક સુવિધાઓ તૈયાર કરી છે.
મોટી સંખ્યામાં હાલ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ જઈ રહ્યાં છે. સમગ્ર રૂટ ઉપર શ્રદ્ધાળુઓના ભોજન સહિતની વ્યવસ્થા સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. એટલું જ નહીં માર્ગમાં મેડિકલ સુવિધા મળી રહે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસટી નિગમ દ્વારા મેળાને ધ્યાનમાં રાખીને ખાસ બસો દોડાવવામાં આવી રહી છે.