1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ મહત્વપૂર્ણઃ કેન્દ્રીય મંત્રી
ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ મહત્વપૂર્ણઃ કેન્દ્રીય મંત્રી

ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ મહત્વપૂર્ણઃ કેન્દ્રીય મંત્રી

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 11માં એગ્રી એશિયા પ્રદર્શનને ખૂલ્લું મુકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેતીમાં સમયાનુકુલ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ સાકાર કરવામાં ગુજરાત ખેતીને પ્રાથમિકતા આપીને અગ્રેસર રહ્યું છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવામાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરી કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવા વડાપ્રધાનએ જે કિસાન હિતકારી યોજનાઓ દેશને આપી છે તેનો સુચારૂ અમલ ગુજરાતમાં થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેતી, ગામડુ, છેવાડાના માનવીના સર્વગ્રાહી વિકાસ માટેનો મજબૂત પાયો નાંખ્યો છે. ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ, એક્સપોર્ટ, નાણાંકીય વ્યવસ્થાપન, કોવિડ મેનેજમેન્ટ સહિત સર્વાંગી ક્ષેત્રે દેશમાં રોલમોડેલ બન્યું છે તેના મૂળમાં  નરેન્દ્ર મોદીએ આપેલી વિકાસની રાજનીતિ અને સૌના કલ્યાણનો મંત્ર છે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ખેતી ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે સાથે પોષણયુકત ખેતી માટે નેચરલ ફાર્મીંગ-પ્રાકૃતિક ખેતીનો પણ વ્યૂહ સરકારે અપનાવ્યો છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઉપરાંત ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી ક્ષેત્રના સમ્યક વિકાસ માટે ખેતીને પ્રાથમિકતા આપે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે કૃષિક્રાંતિ, વાયબ્રન્ટ સમિટથી ઔદ્યોગિક રોકાણોની વ્યાપક સફળતા, એફ.ડી.આઇ મેળવવામાં અગ્રીમસ્થાન અને નીતિ આયોગના ગુડગર્વનન્સ તેમજ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં અગ્રેસર રહેવાની પરંપરા પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જાળવી રાખી છે. રાજ્યના ખેડૂતોને વિશ્વના પ્રવાહ અનુરૂપ પાક પદ્ધતિ અને કૃષિ જ્ઞાન-વિજ્ઞાન ઘર આંગણે પૂરા પાડવામાં આવા પ્રદર્શનો ઉપકારી બનશે.

આ પ્રસંગ્રે મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ અને પશુપાલન વર્ષોથી એકબીજાના પૂરક રહ્યા છે ત્યારે આ ત્રિદિવસીય એગ્રી એશિયા અને 9મું પશુપાલન-ડેરી ટેકનોલોજી પ્રદર્શન તેમાં વધુ પ્રોત્સાહક બળ પૂરું પાડશે. કોરોનાના કારણે વૈશ્વિક મંદીના માહોલમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારતીય અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ અગત્યની રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌપ્રથમ ગુજરાતમાં પશુપાલન સાથે જોડાયેલી કામધેનું યુનિવર્સિટીની સ્થાપના અને કૃષિ મહોત્સવ થકી દેશને પશુપાલન અને કૃષિ સંશોધન ક્ષેત્રે નવી દિશા આપી છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોને ઝીરો ટકાએ કૃષિ ધિરાણ આપવામાં આવે છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં ભારતભરના ખેડૂતો આજે ડ્રોન ટેકનોલોજી થકી ખેતી કરતાં થયાં છે તેમાં પણ ગુજરાત સરકારે ખેડૂતોને ડ્રોન થકી ખેતીમાં દવાના છંટકાવ પર સબસિડી આપીને દેશને નવો રાહ ચિંધ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code