
ગુજરાતઃ 5 વર્ષમાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યામાં 168 ટકાનો વધારો
અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી.કિશન રેડ્ડી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કાર્યરત પ્રોજેક્ટ્સની વિગતો મેળવી હતી અને આગામી સમયમાં ભારત સરકાર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવશે, તેવી ખાતરી આપી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પાંચ વર્ષના સમયમાં રાજ્યના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં 168 ટકાનો વધારો થયો છે.
કેન્દ્રીય મંત્રી સમક્ષ ટૂરિઝમ કોર્પોરેશન ગુજરાત લિમિટેડના એમ.ડી. આલોકકુમાર પાંડે દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં ગુજરાતમાં મુખ્યત્વે સોમનાથ, દ્વારિકા, પાવાગઢ સહિતના પ્રવાસન સ્થળો પર કેન્દ્ર સરકારના સહયોગથી કાર્યરત વિવિધ પ્રકલ્પોની માહિતી આપવામાં હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ પ્રવાસીઓ પૈકી મોટો હિસ્સો ધાર્મિક પ્રવાસીઓનો હોય છે. 2017થી 2922 સુધીમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર આવતા મુલાકાતીઓની સંખ્યામાં 168 %નો વધારો થયો છે. કેન્દ્રીય મંત્રીએ G -20 સમિટ દરમિયાન ધોળાવીરા અને ધોરડોના સફેદ રણ સહિતના ગુજરાતના પ્રવાસન સ્થળો પર વિદેશી ડેલિગેશનની મુલાકાત સંદર્ભે જરૂરી વ્યવસ્થા તથા આયોજન પર ચર્ચા કરી સૂચનો આપ્યાં હતાં. નિર્માણાધીન સુવિધાઓને ઝડપથી અને સમયસર પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
રાજ્યના સાંસ્કૃતિક વિભાગના સચિવ દ્વારા કેન્દ્રીય મંત્રી સમક્ષ રાજ્યમાં ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’ અને ‘મ્યુઝિયમ ઓફ રોયલ કિંગ્ડમ’ના રોડમેપની જાણકારી પ્રસ્તુત કરાઈ હતી. જેમાં ટેક્નોલોજીની મદદથી યુવાવર્ગને જોડવા માટે તૈયાર કરવામાં આવનાર વિવિધ પ્રકલ્પોની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા વડનગર, વડોદરા અને રાજકોટમાં થઈ રહેલા પુરાતત્વીય સર્વેક્ષણ અને ખનન બાબતે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં વડનગરમાં આશરે 2 હજાર વર્ષ પહેલાં થયેલા નિર્માણમાં ભૂકંપપ્રૂફ બાંધકામ, જળ સંચય અને સંગ્રહ, ખનન વખતે મળેલા શંખ અને સિક્કાના આધારે ઇન્ડો-પેસિફિક આંતરરાષ્ટ્રીય વ્યાપારના પુરાવાઓ વિષયક પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જી. કિશન રેડ્ડીએ હાજર અધિકારીઓને ‘યુથ ટુરિઝમ ક્લબ્સ’ અને પ્રોફેશનલ કોર્સિસમાં વધુમાં વધુ એડમિશન થાય અને પ્રવાસન ક્ષેત્ર સાથે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જોડાય તે માટે જરૂરી સૂચનો આપ્યાં હતાં.