પહેલી વખત સ્વદેશી ફાઈટર જેટ ‘તેજસ’ વિદેશમાં મચાવશે ધૂમ,આ દેશના યુદ્ધાભ્યાસમાં લેશે ભાગ
દિલ્હી:ભારતીય વાયુસેનાના પાંચ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) સંયુક્ત અરબ અમીરાત (UAE) માં બહુપક્ષીય લશ્કરી અભ્યાસમાં ભાગ લેશે.સ્વદેશી રીતે વિકસિત ફાઇટર એરક્રાફ્ટ પ્રથમ વખત અન્ય દેશમાં આયોજિત કવાયતમાં ભાગ લેશે.’ડેઝર્ટ ફ્લેગ’ કવાયતમાં ભાગ લેવા માટે 110 કર્મચારીઓ સાથે વાયુસેનાની ટુકડી UAEમાં અલ ડાફ્રા એરફોર્સ બેઝ પર આવી પહોંચી છે. IAF પાંચ તેજસ અને બે C-17 ગ્લોબમાસ્ટર-3 એરક્રાફ્ટ સાથે ભાગ લઈ રહ્યું છે.
એક અધિકારીએ કહ્યું, “આ પ્રથમ વખત છે જ્યારે એલસીએ તેજસ ભારતની બહાર આંતરરાષ્ટ્રીય હવાઈ દળની કવાયતમાં ભાગ લેશે.”અભ્યાસ ‘ડેઝર્ટ ફ્લેગ’ એ બહુપક્ષીય વાયુસેનાની કવાયત છે જેમાં યુએઈ, ફ્રાન્સ, કુવૈત, ઓસ્ટ્રેલિયા, યુકે, બહેરીન,મોરોક્કો, સ્પેન, દક્ષિણ કોરિયા અને યુએસની વાયુસેના પણ સામેલ છે.આ કવાયત 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી થવાની છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “કવાયતનો ઉદ્દેશ્ય વિવિધ હવાઈ દળો પાસેથી શ્રેષ્ઠ પ્રેક્ટિસ શીખવાનો છે.” તેજસનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. તે સિંગલ એન્જિન એરક્રાફ્ટ છે.


