HomeગુજરાતીICC રેન્કિંગમાં ભારતનો દબદબો: અભિષેક શર્મા નં-1 બેટ્સમેન, ઈશાન કિશન બીજા સ્થાને

ICC રેન્કિંગમાં ભારતનો દબદબો: અભિષેક શર્મા નં-1 બેટ્સમેન, ઈશાન કિશન બીજા સ્થાને

દુબઈ, 11 માર્ચ 2026: ટી20 વિશ્વકપ 2026 માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતની ઐતિહાસિક જીતનો પડઘો હવે આઈસીસી (ICC) ની તાજેતરની રેન્કિંગમાં પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ત્રીજી વખત વિશ્વ વિજેતા બનેલી ભારતીય ટીમના ખેલાડીઓને રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. ખાસ કરીને યુવા બેટ્સમેન અભિષેક શર્મા અને ઈશાન કિશને વિશ્વના ટોપ-2 સ્થાનો પર કબ્જો જમાવીને ભારતની બેટિંગ તાકાતનો પરચો આપ્યો છે.

ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા ટી20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેનોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ફાઇનલમાં તેણે ફટકારેલી તોફાની અડધી સદીએ તેની બાદશાહત વધુ મજબૂત કરી છે. તે લાંબા સમયથી ટી20 ફોર્મેટમાં દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનેલો છે.

વર્લ્ડ કપમાં 317 રન ફટકારી તરખાટ મચાવનાર ઈશાન કિશનને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. તે બે સ્થાનની છલાંગ લગાવીને હવે બીજા નંબરે પહોંચી ગયો છે. ઈશાન હવે અભિષેક શર્માથી માત્ર 4 રેટિંગ પોઈન્ટ પાછળ છે. આ સાથે જ ટી20 ઈતિહાસમાં લાંબા સમય બાદ બે ભારતીય બેટ્સમેનો ટોપ-2 માં જોવા મળી રહ્યા છે.

કેરળના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને રેન્કિંગમાં 18 સ્થાનની જબરદસ્ત છલાંગ લગાવી છે અને તે હવે 22મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે શિવમ દુબે પણ ચાર સ્થાન ઉપર ચઢીને 27મા નંબરે પહોંચ્યો છે. ટોપ-10 માં તિલક વર્મા (7મા સ્થાને) અને સૂર્યકુમાર યાદવ (9મા સ્થાને) પણ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

બોલરોની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતનો સ્પિનર વરુણ ચક્રવર્તી પ્રથમ સ્થાન ગુમાવીને બીજા ક્રમે સરકી ગયો છે. હવે અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન (753 પોઈન્ટ્સ) દુનિયાનો નંબર-1 ટી20 બોલર બની ગયો છે. ભારતના જસપ્રિત બુમરાહ છઠ્ઠા સ્થાને અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ 17મા સ્થાને છે. જોકે, અર્શદીપ સિંહને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે અને તે 16મા ક્રમે પહોંચ્યો છે.

ટી20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા પ્રથમ સ્થાને યથાવત છે, જ્યારે ભારતનો હાર્દિક પંડ્યા બીજા સ્થાને અડીખમ છે. બંને ખેલાડીઓએ આ સપ્તાહે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ્સ હાંસલ કર્યા છે.

આ પણ વાંચોઃ જળ સંરક્ષણ એ દરેક નાગરિકની ફરજ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

સંબંધિત લેખો

Most Popular