1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે પ્રતિ વર્ષ 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે
નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે પ્રતિ વર્ષ 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે

નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે પ્રતિ વર્ષ 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે

0
Social Share

રાજપીપલા : ભારત દેશની નદીઓ પૈકી એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. ગુજરાતમાં ગીરનારની લીલી પરિક્રમા સહિત અન્ય જાત્રાઓ, પદયાત્રાઓ, ધાર્મિક સ્થળોની યાત્રાએ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનિતા સ્થળે જતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી પસાર થતી પુણ્ય સલિલા માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનું અનેરૂં મહત્વ રહેલું છે. ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવામાં આવે છે. આ એક મહિના દરમ્યાન દર વર્ષે અંદાજિત ૧૦ લાખ જેટલાં શ્રદ્ધાળુઓ આ પદયાત્રા કરીને આસ્થા-શ્રદ્ધા સાથે ધન્યતા અનુભવે છે. પ્રતિ વર્ષ તેમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા મૈયાની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

ધાર્મિક મહત્વ ધરાવતી પૂણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડાત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા ‘રેવા’ની પરિક્રમા કરતા હોય છે. કેટલાક કારણોસર સ્થગિત થયેલી પંચકોશી પરિક્રમાને પુનઃ શુર કરાવનાર જેમને લોકો નર્મદા પુત્ર તરીકે પણ ઓળખે છે એવા સાંવરિયા મહારાજ જણાવે છે કે, નર્મદાજીની અસીમ કૃપાથી ઉત્તરવાહિની પરિક્રમા આજથી સાત કલ્પ પહેલાં શરૂ થઈ હતી. એક કલ્પ એટલે કે ૪૦૦૦ યુગ એમ કહેવાય છે. તે વખતે નર્મદાજીએ માર્કંડ ઋષિને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, જે આ પરિક્રમા કરશે અને નદીમાં સ્નાન કરશે તેની ૭૧ પેઢીને મોક્ષ મળશે. તેથી જ આ પરિક્રમા કરવા અર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું. નર્મદા પુત્ર સાંવરીયા મહારાજ રોજ બે વખત પરિક્રમા કરે છે જેમાં એક વખત પગે ચાલીને અને બીજી વખત વાહન થકી પૂર્ણ કરે છે. તેમની આ શ્રદ્ધા જ અન્ય ભક્તોને પણ પરિક્રમા માટે પ્રેરિત કરે છે. 

  • નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનું મહાત્મ્ય

 નર્મદા પરિક્રમા આશરે ૨૧ કિલોમીટર જેટલા અંતરની થાય છે, જેમાં બે વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે. આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ પરિક્રમાનું મહાત્મ્ય-પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેવી શ્રધ્ધાળુઓની માન્યતા છે. આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે અનેરું ઘાર્મિક મહત્વ પણ ધરાવે છે. જેમ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં માતૃ તર્પણ કરી માતૃ ઋણમાંથી મુક્ત થયાનો અહેસાસ કરે છે તેમ ચાંણોદ-કરનાળી ખાતે પણ પુણ્ય સલિલા મા નર્મદાનો તટ પિતૃ તર્પણ માટે ઉત્તમ ગણવામાં આવે છે. જ્યાં લોકો મૃતાત્માઓની શાંતિ અર્થે તર્પણ કરે છે. એવી પવિત્ર નદી નર્મદાની પરિક્રમા માત્ર આસ્થા જ નહીં પણ સ્વસ્થ જીવન માટે આયુષ નિદાન પ્રણાલીમાં દર્શાવાયેલા કેટલાંક ઉપાયો મુજબ કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં તેને નિહાળતા ચાલવાથી ડીપ્રેશન અને નિરાશાજનક વિચારો ઘટી જાય છે. મનને શાંતિ અર્પે છે. ચાલવાના કારણે યાદશક્તિમાં વધારો થવો, હ્રદયની બિમારીનું જોખમ ઘટવું, બ્લડ સુગર ઘટવું, હાઈપર ટેન્શન ઘટવું અને હાઈ બીપી, લો બીપીની બિમારીમાં ચાલવાના કારણે ફાયદા થાય છે અને લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે સંચારિત થાય છે. 

 

આદ્ય શંકરાચાર્યશ્રીએ લખેલા નર્મદાષ્ટકમાં નર્મદા મૈયાની સ્તુતિ કરતાં કહ્યું છે કે, ”અલક્ષલક્ષલક્ષપાપ લક્ષ સાર સાયુધં તતસ્તુજીવજન્તુતન્તુ ભુક્તિ મુક્તિ દાયકંમ્” ફક્ત દર્શમાત્રથી ભાવિક ભક્તોના પાપોનો નાશ કરનારી પવિત્ર નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત નાંદોદ તાલુકાના રામપુરા ગામે આવેલા રણછોડરાયજીના મંદિરેથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ ૨૧ કિલોમીટર લાંબો છે. વડોદરાથી પ્રથમ વખત પોતાના પરિવાર સાથે પંચકોશીની પરિક્રમા અર્થે આવેલા શ્રી રમેશભાઈ પટેલ જણાવે છે કે, ઘણા સમયથી મારી આ પરિક્રમા કરવાની અદમ્ય ઈચ્છા હતી. આજે ચૈત્ર મહિનાની અંદર મને એક લ્હાવો મળ્યો છે. જેથી આ પરિક્રમા અમે કરીએ છીએ. આ પરિક્રમા થકી અમને સ્વસ્તિક પરમ આનંદ થાય છે. અમે શ્રદ્ધા પૂર્વક ચાલતા ચાલતા આગળ જઈ રહ્યાં છીએ. નર્મદાજીની આખી પરિક્રમા તો નથી કરી શકતા પણ આ ઉત્તરવાહિની પરિક્રમા થઈ એટલે અમારી જે એક ઈચ્છા હતી તે પૂર્ણ થઈ છે તેમ કહી આનંદની અનુભૂતિ સાથે આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, સરકારશ્રી દ્વારા ખૂબ સારી રસ્તામાં ઠેર ઠેર વ્યવસ્થા કરવામાં આવી છે. નદી પાર કરવા માટે હોડીઓની પણ વ્યવસ્થા ખૂબ સારા પ્રમાણમાં કરી છે. લોકો સ્વેચ્છાએ આ ભક્તિ ભાવપૂર્વક યાત્રામાં જોડાયા હોય ત્યારે અન્ય વ્યવસ્થાની અપેક્ષા પણ ન હોય યાત્રાનો માર્ગ હંમેશાં થોડો કઠીન હોય છે. પરંતુ જે કંઈ વ્યવસ્થા અહીં કરી તે ખૂબ સારી સુવિધા છે. 

  • “નર્મદે હર” ના જયઘોષ સાથે નર્મદા નદીના પટમાંથી પસાર થતા પરિક્રમાવાસીઓ

પંચકોશી પરિક્રમાના આ પરિક્રમાના રૂટ પર ઘણાં નાના-મોટા મંદિરો અને આશ્રમો પણ આવે છે. જેમ કે રણછોડજી મંદિર, ધનેશ્વર મંદિર, મંગલેશ્વર મંદિર, અવધૂત આશ્રમ, તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મંદિર, રામાનંદ આશ્રમ, સીતારામ આશ્રમ, મણી નાગેશ્વર મહાદેવ થઇને કપિલેશ્વર મહાદેવ ખાતે આ રૂટ પહોંચે છે. કપિલેશ્વર મહાદેવના સ્થાને કપિલ ઋષિએ તપ કર્યું હતું તેથી આ પવિત્ર તપોભૂમિ કહેવાય છે. કપિલેશ્વરના દર્શન કરી ત્યાંનો ઘાટ ઉતરી પદયાત્રીઓ નર્મદા નદીના કિનારે કિનારે ચાલી વાસણ, રેંગણ ગામ પહોંચી જાય છે. રેંગણ ગામથી હોડીમાં બેસી કીડી-મંકોડી ઘાટ પહોંચે એટલે નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા અહીં પૂર્ણ થાય છે. “નર્મદે હર” ના જયઘોષ સાથે નર્મદા નદીના પટમાંથી પસાર થતા ભાવિકો નર્મદા તટની સંસ્કૃતિ અને સાધુઓનાં તપ, લોકમાતાના મહાત્મયને જાણવાં ભાવપૂર્વક સામેલ થાય છે. ગુજરાત ઉપરાંત નજીકના રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા વિવિધ પ્રાંત અને સમગ્ર ભારતવર્ષમાંથી આ પરિક્રમા વિશે જાણતા શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યાં છે. 

ઔદ્યોગિક હબ એવા અંકલેશ્વરમાં નોકરી અર્થે સ્થાયી થયેલા વિવિધ રાજ્યો અને ગુજરાતના વિવિધ પ્રાંતના શ્રદ્ધાળુઓ પૈકીનું એક ગૃપ આ પરિક્રમામાં સામેલ થયું હતું તે ગૃપના સભ્ય શ્રી ભાવેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમે એક જ સ્થળે નોકરી કરતા કુલ ૧૧ લોકોની ટુકડી નર્મદા મૈયાની ઉત્તરવાહિની યાત્રામાં જોડાયા છીએ. સવારે ચાર વાગે યાત્રા અમે કરતા મારા મિત્રોમાં પરિક્રમા પ્રત્યે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. ભજન કિર્તન સાથે અમે આગળ વધી રહ્યાંછીએ. અમે છેલ્લા ચાર વર્ષથી આ પરિક્રમામાં સામેલ થવા આવીએ છીએ. અહીં અમને કોઈ અગવડતા જાણતી નથી. અમને ખૂબ આનંદ આવે છે. માર્ગમાંઆવતા અલગ અલગ મંદિરોમાં અમે દર્શન-આરતી કરીએ છીએ. આધ્યાત્મિકતાનો અમને ભરપુર આનંદ પ્રાપ્ત થાય છે. 

છેલ્લા ત્રણ વર્ષથી સતત પંચકોશી પરિક્રમામાં સામેલ થવા ભરૂચથી આવતા ભાવિક શ્રી હિરેનભાઈ મજીઠિયા કહે છે કે, મારી આ ત્રીજી વખતની પરિક્રમા છે. ભગવાન રણછોડજીના દર્શન કરીને મારી પરિક્રમા રાત્રે ૧૨:૩૦ કલાકે શરૂ કરી હતી. અને લગભગ સવારના ૫.૪૫ વાગ્યે મળસ્કે પૂર્ણ કરી છે. અગાઉ માધ્યમોમાં આ પરિક્રમા વિશે જે સમાચારો મેં વાંચ્યા હતા તે જોઈને ખરેખર અમને સુવિધા મળશે કે કેમ તેનો ડર હતો. પરંતુ અમે જાતે જ જ્યારે પરિક્રમા અહીં કરી રહ્યાં છે ત્યારે અમને બંન્ને સ્થળોએ બોટની સુવિધા સરળતાથી મળી ગઈ હતી. રસ્તામાં વચ્ચે વચ્ચે ભંડારાઓ-વિસામો પણ ચાલે છે. તેની સુવિધાઓ પણ સારી હતી. પોલીસ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થા માટે બંદોબસ્ત પણ સારો ગોઠવાયો છે. અમને કોઈપણ જાતની તકલીફ કે ડેર નથી. અમારો પરિક્રમાનો અનુભવ ખૂબ જ સારો અને અવિસ્મરણીય રહ્યો છે.

ઉત્તર વાહિની પરિક્રમા દરમિયાન ઘણાં દાતાઓ-સખાવત લોકો અને ટ્રસ્ટો પોતાની નિઃસ્વાર્થ સેવા આપવા અને પુણ્ય કમાવવા માટે પરિક્રમાના આ માર્ગ ઉપર અન્નક્ષેત્રોનાં પંડાલ ઊભા કરે છે. અહીં આવતા પરિક્રમાર્થીઓને ચા, નાસ્તો, પાણી, છાસ, ભોજન પીરસાય છે અને પૂરા આગ્રહ-ભાવથી જમાડવામાં આવે છે. આવાં એક નહીં પરિક્રમાના રૂટ પર ઠેર-ઠેર અનેક અન્નક્ષેત્રો થકી સેવાભાવી લોકો શ્રદ્ધાળુઓને અન્ન પીરસતા દ્રશ્યો જોવાં મળે છે. ત્યારે માંગરોળ ગામ પાસે વિસામો થકી સેવા આપતા રાજપૂત સમાજના યુવાનો ખૂબ નમ્રતાથી પદયાત્રીઓને આવકારી ચ્હા-નાસ્તાની વ્યવસ્થા કરી શ્રદ્ધાળુઓની કાળજી લઈ રહ્યા છે. ત્યાં વ્યવસ્થા સંભાળી રહેલા મનહરસિંહ ભૂપતસિંહ માંગરોલાએ જણાવ્યું કે, અમે છેલ્લા ૧૫ વર્ષથી આ સેવા વડીલો અને યુવાનો મળીને લોકભાગીદારીથી આપી રહ્યા છીએ. પદયાત્રીઓ માટે ચા-કોફી-નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ. પરિક્રમા વાસીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરીએ છીએ. રાત્રે ૩:૦૦ વાગ્યાથી જ આ સેવા શરૂ થઈ જાય છે. આ સેવા કરવાનો અમને ખૂબ આનંદ થાય છે. આવતા વર્ષોમાં પણ અમે આ રીતે સતત સેવા આપતા રહીશું તેમ દિલથી જણાવ્યું હતું. 

પરિક્રમા અર્થે આવતા પ્રત્યેક શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારે જીવનું જોખમ ઉભું ન થાય તે માટે પુરતી તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને નર્મદા નદીમાં વિવિધ વિસ્તારોમાં મગરનો વસવાટ હોવાથી તેની શક્યતાઓને લઈને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન જણાય તેવા હેતુ સાથે ચેતવણી અર્થે સાઈન બોર્ડ પણ નદી કિનારે મૂકવામાં આવ્યા છે. રાત્રિના સમયે શ્રદ્ધાળુઓને નદી પાર કરવામાં કોઈ તકલીફ ન જણાય તે માટે બોટના ઈજારદારોને અપાયેલી સૂચના મૂજબ લાઈટ-વીજળીની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત પરિક્રમા દરમિયાન યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટે કામચલાઉ આરોગ્ય કેન્દ્રની પ્રાથમિક સુવિધા સ્થળપર ઊભી કરાઈ છે. આમ, સેવાભાવી લોકો અને વહીવટી તંત્રના સહયોગથી યાત્રિકોને સલામતી સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે.       

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code