કલોલના વેડા ગામે ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીનની માપણી પોલીસ પ્રોટેક્શન ન મળતા મલત્વી
ગાંધીનગરઃ દિલ્હીથી મુંબઇ સુધી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગ્રીન એક્સ્પ્રેસ હાઇવે બનાવવા માટે ગાંધીનગર જિલ્લામાં ખેતીની જમીન સંપાદન કરવા સામે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે કલોલ તાલુકાના વેડા ગામે સંપાદન કરાયેલી જમીનની માપણી કરવા ગયેલી ટીમને પોલીસ બંદોબસ્ત નહીં મળતા કામગીરી મુલતવી રાખવી પડી હતી. નિયત સમયમર્યાદામાં સંપાદનની કામગીરી પૂર્ણ કરવાની થાય છે પરંતુ ખેડૂતોના વિરોધના પગલે તંત્ર દ્વારા કામગીરી શરૂ થઇ શકી નથી.અને બીજીબાજુ પોલીસનું પ્રોટેક્શન પણ મળતું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈવે માટે જમીન સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે. દિલ્હીથી મુંબઈ સુધી બનનારા હાઈવે માટે બનાસકાંઠાના થરાદથી લઈને ગાંધીનગર સુધી હાલ જમીન સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં કલોલ, દહેગામ અને ગાંધીનગર તાલુકામાં આવેલી જમીનો ફળદ્રુપ હોવાથી અને ખેડૂતોની એકમાત્ર રોજગારી હોવાથી સામાન્ય વળતરથી જમીનો આપવા ખેડૂતો તૈયાર નથી. બીજીતરફ કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટમાં નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક મહેસૂલી તંત્ર દ્વારા સંયુક્ત રીતે જમીન મેળવવાની કામગીરી કરવાની થાય છે પરંતુ હજુ સુધી સંપાદનમાં લેવાનાર જમીનની માપણી જ થઇ શકી નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, કલોલ તાલુકાના વેડા ખાતે સંપાદન કરાયેલી જમીનની માપણી માટે નેશનલ હાઇવે ઓથોરિટી, ડીઆઇએલઆર કચેરી, મામલતદાર કચેરીના સર્કલ ઇન્સ્પેક્ટર, રેવન્યુ તલાટી સહિતના કર્મચારીઓની ટીમ દ્વારા તૈયારી કરાઈ હતી. ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો હોવાથી ખેતરમાં જઇને ખૂંટા નાખી માપણી કરવાની હોવાથી અગાઉથી જ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન મંગાયુ હતું. આ અંગે સંયુક્ત બેઠક યોજીને કામગીરી કરવાનું નક્કી કરાયું હતું પણ કોઇ કારણોસર પોલીસ બંદોબસ્ત નહીં મળવાને કારણે ટીમ જમીનની માપણી કરી શકી ન હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગ્રીન કોરિડોર એક્સપ્રેસ હાઇવે માટે ગાંધીનગર જિલ્લામાં કુલ 800 હેક્ટર જમીન સંપાદન કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવતા જિલ્લાના રૂટમાં આવતા ત્રણ પૈકી બે ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેના પગલે 300 હેક્ટર જમીન ઓછી સંપાદિત થશે. જેથી હવે કુલ 505 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવશે. (file photo)
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

