 
                                    અમદાવાદઃ ગુજરાત 2002નાં રમખાણો બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનારા તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે. ત્યારે સોમવારે સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તિસ્તા સેતલવાડે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. આ કેસમાં અગાઉ આર.બી. શ્રીકુમારે અગાઉ ડિસ્ચાર્જ અરજી કરી હતી જે કોર્ટે ફગાવી હતી. આથી સોમવારની સુનાવણીમાં આર.બી. શ્રીકુમારને હાજર રહેવું પડ્યું હતું.
સેશન્સ કોર્ટની સુનાવણીમાં ચાર્જફ્રેમ પ્રક્રિયામાં અગાઉ સતત ગેરહાજર રહેનારા આર.બી શ્રીકુમારે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને દોષમુક્ત કરવા માગ કરી હતી. તેમના દ્વારા રજુઆત કરાઈ હતી કે, તેમની સામે કોઈ કેસ બનતો નથી. પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ થઈ છે. આર.બી. શ્રીકુમારની આ ડિસ્ચાર્જ અરજી મામલે સરકારી વકીલે વિરોધ કર્યો હતો. આર.બી. શ્રીકુમારને આ કેસમાંથી રાહત ન આપવા રાજ્ય સરકાર વતી સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. ગત તા. 12 જૂનની સુનાવણીમાં આ અંગેની દલીલો પૂર્ણ થતાં 19 જૂને નિર્ણય આપતા સેશન્સ કોર્ટે પૂર્વ DGP આર.બી. શ્રીકુમારની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ સોમવારે તિસ્તા સેતલવાડે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. આર.બી. શ્રીકુમારની ડિસ્ચાર્જ અરજી ગત સુનાવણીમાં કોર્ટે ફગાવતા સોમવારે યોજાયેલી સુનાવણીમાં આર.બી. શ્રીકુમાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંજીવ ભટ્ટના વકીલ મનીષ ઓઝાને અગાઉ સંજીવ ભટ્ટને પાલનપુરની જેલમાં મળવા જવાની પરવાનગી કોર્ટ દ્વારા મળતા તેઓ સંજીવ ભટ્ટને પાલનપુર જેલમાં મળ્યા હતા. જેમાં 5 કલાકની મેરેથોન બેઠકમાં સંજીવ ભટ્ટ સાથે કરી હતી. હવે આગામી 3 જુલાઈની સુનાવણીમાં તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

