સુરતના સચિન GIDCમાં કેમીકલ કંપનીમાં ભીષણ આગ, 20થી વધારે વ્યક્તિ દાઝ્યાં
અમદાવાદઃ સુરતના સચીન જીઆઈડીસીમાં એક કેમીકલ કંપનીમાં આગની ઘટના બની હતી. કેમીકલ ટાંકીમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં 24 જેટલા કામદારો દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે આસપાસની કંપનીના સંચાલકો અને કર્મચારીઓમાં ભય ફેલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સચીન જીઆઈડીસીમાં આવેલી કેમીકલ કંપનીમાં રાત્રિના સમયે 100થી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન કેમીકલની ટાંકીની નીચેના ભાગે લીકેજની ઘટના સર્જાઈ હતી. જે બાદ અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ટાંકીમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કંપનીમાં કેમીકલને પગલે ગણતરીની મિનિટોમાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં 24 જેટલા કામદારોને નાની મોટી દાઝવા વાગવાથી ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયાં હતા.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમજ આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડે બે હજાર લિટર ફોમનો ઉપયોગ કર્યો હતો. કેમીકલ કંપનીમાં કેવી રીતે આગ લાગી તે જાણી શકાયું નથી. ફાયરબ્રિગેડ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.