પાલનપુર નગરપાલિકાની દુકાનોનું રૂપિયા 45 લાખનું બાકી ભાડુ ન ચુકવાતા 8 દુકાનોને સીલ લાગ્યા
પાલનપુરઃ શહેરની નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. નગરપાલિકાનું વીજળી બિલ પણ બાકી છે. ત્યારે આવક વધારવા માટે બાકી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે દરમિયાન નગરપાલિકાની માલિકીની ભાડાની દુકાનોનું ભાડુ ન ભરતા દુકાન ધારકો પર વસુલાતની કાર્યવાહી હાથ ધરાઇ છે. નગરપાલિકા દ્વારા એપ્રિલ 2023થી 14 ડિસેમ્બર 2023 સુધી બાકી ભાડાંની 59 લાખ 78 હજાર કરતાં વધુ રકમની વસુલાત કરી છે. હજુ રૂપિયા 45 લાખ 32 હજાર કરતા વધારે વસુલાત બાકી છે, ત્યારે 8 દુકાનોને સીલ કરવામાં આવી છે. તેમજ 50 દુકાનધારકોને નોટિસ ફટકારી છે જો ત્રણ દિવસ સુધીમાં વેરા વસુલાતની રકમ પૂર્ણ કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા દુકાનોને સીલ મારવામાં આવશે.
પાલનપુર નગરપાલિકાની માલિકીની ભાડે અપાયેલી મિલકતોનું ભાડું ન ભરનારા સામે વસુલાત ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 45 વેપારીઓ પાસેથી 8.35 લાખ વસુલાત કરવામાં આવ્યા છે. ત્યારે આઠ જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. નગરપાલિકાની જગ્યા વર્ષોથી દુકાન લીજ પર અપાઇ હતી દર માસે પ્રતિ ફૂટે ભાડુ વસૂલ કરવામાં આવે છે, અંદાજીત 1200 જેટલી દુકાનો પાસેથી પાલિકાને દર વર્ષે લાખો રૂપિયાની નિયમિત આવક થાય છે, પરંતુ કેટલાક દુકાન ધારકો ભાડુ ન ભરતા પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. 70 જેટલી નોટિસોમાં 62 જેટલા દુકાનદારકો પૈસા જમા કરાવી ગયા હતા, પરંતુ આઠ જેટલાં દુકાન ધારકો પૈસા ન જમા કરાવતા પાલિકા દ્વારા આઠ દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. તેમજ 50 જેટલી અન્ય નોટિસો દુકાન ધારકોને આપવામાં આવી છે. જો ત્રણ દિવસમાં પૈસા જમા કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા આ દુકાનોને પણ સીલ મારવામાં આવશે.
પાલનપુર નગરપાલિકાના ટેક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ભાડા ભરતા નહોતા એ લોકોને 70 જેટલી નોટિસો આપી હતી, જેમાંથી 62 જેટલાં લોકો આવીને પૈસા ભરી ગયા હતા, પરંતું 8 દુકાનો વાળા પૈસા નહોતા ભર્યા એમની દુકાનો સીલ મારવામાં આવી છે. આજ સુધી 59 લાખ 78 હજાર કરતા વધારે વસુલાત કરવામાં આવી છે, 45 લાખ 32 હજાર કરતા વધારે વસુલાત કરવાનાં બાકી છે, જે પેટે આપણે 70 નોટિસો આપી છે, જો નહીં ભરે તો ત્રણ દિવસમાં સીલ મારવાની કાર્યવાહી કરાશે.