1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીરઃ સરહદ પર ડ્રોનનું મંડરાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
કાશ્મીરઃ સરહદ પર ડ્રોનનું મંડરાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કાશ્મીરઃ સરહદ પર ડ્રોનનું મંડરાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

0
Social Share

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ફરી એકવાર નાપાક હરકત જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના ફૂલપુર વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. આ ઘટનાની સાથે જ ખીણના કેટલાક જિલ્લાઓમાં રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર VPN ના ઉપયોગ પર પણ પાબંદી લાદી દેવામાં આવી છે.

  • સરહદ પારથી આવ્યું ડ્રોન, સર્ચ ઓપરેશન શરૂ

સત્તાવાર માહિતી મુજબ, સાંબાના ફૂલપુર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને એક ડ્રોન ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. થોડી મિનિટો સુધી આકાશમાં મંડરાયા બાદ ડ્રોન ફરી પાકિસ્તાન તરફ પરત ફર્યું હતું. સુરક્ષા એજન્સીઓ હાલ ડ્રોનના ફ્લાઇટ ટ્રેકની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જોકે જમીન પર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

બીજી તરફ, રાજૌરી જિલ્લાના કાલાકોટ વિસ્તારના ડાલી ગામમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા વિલેજ ડિફેન્સ ગાર્ડના સભ્યએ હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળી પોલીસ અને સુરક્ષા દળો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

જમ્મુ-કાશ્મીર પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષા અને અશાંતિ ફેલાવવાની આશંકાને પગલે કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક હિસ્સાઓમાં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) પર પ્રતિબંધ મૂક્યો છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં સહિત કુલ 6 જિલ્લાઓમાં (કાશ્મીર ઘાટીના 4 અને જમ્મુના 2) આ આદેશ લાગુ કરાયો છે.

આ પણ વાંચોઃ કબ્રસ્તાનના બહાને ગેરકાયદે બાંધકામ મંજૂર નથીઃ દિલ્હી હાઈકોર્ટ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code