બાબર આઝમની ઓસ્ટ્રેલિયામાં ભારે ટીકા: ગિલક્રિસ્ટે વ્યક્ત કરી નારાજગી
મેલબોર્ન, 3 જાન્યુઆરી 2026: પાકિસ્તાનનો પૂર્વ સુકાની અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમ હાલ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ (BBL) રમી રહ્યો છે. સિડની સિક્સર્સ તરફથી રમતા બાબરે મેલબોર્ન સ્ટાર્સ સામે અણનમ અર્ધશતક ફટકારી ટીમને જીત અપાવી હતી, પરંતુ તેની ધીમી બેટિંગના કારણે તે ફરી એકવાર દિગ્ગજોના નિશાના પર આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ બાબરે અપનાવેલા રક્ષણાત્મક અભિગમ સામે લાલઘૂમ થયા છે.
મેલબોર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં મેલબોર્ને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સિડની તરફથી બાબરે 46 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રન બનાવી અણનમ રહ્યો હતો. ટીમે આ લક્ષ્યાંક 5 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. જોકે, ટી-20 ક્રિકેટના આજના યુગમાં 126ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરવા બદલ ગિલક્રિસ્ટે બાબરની આકરી ટીકા કરી છે.
- ગિલક્રિસ્ટે બાબરના ‘એટીટ્યુડ’ પર ઉઠાવ્યા સવાલ
ફોક્સ ક્રિકેટ પર કોમેન્ટ્રી કરી રહેલા એડમ ગિલક્રિસ્ટે બાબરની શૈલી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “બાબર પાવર-ગેમ માટે જાણીતો નથી તે સમજી શકાય છે, પરંતુ તેણે મેદાન પર વધુ એક્ટિવ થવાની જરૂર છે. દરેક બોલ પર સિંગલ લેવાની અને મોટા શોટની જવાબદારી સાથી બેટ્સમેન પર છોડવાની તેની રીત અયોગ્ય છે. આનાથી તેના જોડીદાર પર વગર કારણે દબાણ વધે છે.” એડમ ગિલક્રિસ્ટે જણાવ્યું હતું કે, શું બાબર એવું ન કરી શકે કે તે આક્રમક રમીને સાથી ખેલાડીને ટેકો આપે? પોતે સેફ રમીને બીજા પર જવાબદારી ઢોળવી તે ટીમના હિતમાં નથી.
(PHOTO-FILE)
આ પણ વાંચોઃ IPLમાં બાંગ્લાદેશી ખેલાડી રહેમાન નહીં રમે, BCCIનો મહત્વનો નિર્ણય


