ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ખટાશ: બાંગ્લાદેશે IPLના પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ
ઢાકા, 5 જાન્યુઆરી 2026 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો રાજકીય અને રમતગમતનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની કાર્યકારી સરકારે આગામી માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ના પ્રસારણ પર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરવાના વિવાદ બાદ લેવામાં આવ્યો છે.
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે BCCIના નિર્દેશ પર KKR એ મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે, ગત મહિને યોજાયેલી હરાજીમાં KKR એ મુસ્તફિઝુરને રૂ. 9.20 કરોડની જંગી રકમમાં ખરીદ્યો હતો. જોકે, ભારતમાં રાજકીય નેતાઓ અને સામાજિક સંગઠનો દ્વારા બાંગ્લાદેશી ખેલાડીના સમાવેશ સામે ઉગ્ર વિરોધ થયો હતો, જેના પગલે ફ્રેન્ચાઇઝીએ તેને બહાર કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
બાંગ્લાદેશના સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “મુસ્તફિઝુરને KKR માંથી બહાર કરવાના નિર્ણયથી બાંગ્લાદેશી પ્રજા અત્યંત આહત અને રોષે ભરાયેલી છે. આથી, આગામી આદેશ સુધી IPL ની મેચો અને તેના સંબંધિત કાર્યક્રમોનું પ્રસારણ દેશમાં સ્થગિત રહેશે.” રમતગમત મંત્રી આસિફ નઝરૂલે આ અંગે કડક વલણ અપનાવતા પ્રસારણ રોકવાની ભલામણ કરી હતી.
- T20 વર્લ્ડ કપ માટે પણ ભારત આવવાની ના પાડી
ક્રિકેટ જગતમાં હલચલ મચાવતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ રવિવારે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ફેબ્રુઆરીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલશે નહીં. બાંગ્લાદેશે ICC પાસે માંગ કરી છે કે તેમની મેચો શ્રીલંકામાં યોજવામાં આવે.
આ પણ વાંચોઃ સાયબર માફિયાઓનો આતંક: ભારતમાં 6 વર્ષમાં રૂ. 53,000 કરોડની ઓનલાઈન લૂંટ


