અમિતભાઈ શાહની ગુજરાતી યુવાનો અપીલઃ આદિ શંકરાયાર્ય રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત જરૂર વાંચજો
[અલકેશ પટેલ] અમદાવાદ, 15 જાન્યુઆરી, 2026: Amit Shah આદિ શંકરાચાર્યનું સમગ્ર લખાણ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતી યુવાનોને અપીલ કરું છું કે તેમના દ્વારા રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત અચૂક વાંચજો, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે કહ્યું હતું.
શહેરના ટાગોર હૉલમાં આયોજિત એક કાર્યક્રમમાં આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વના ગુજરાતી ભાવાનુવાદનું લોકાર્પણ કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, જ્ઞાન અનંત છે, તેની કોઈ સીમા નથી પરંતુ આદિ શંકરે જ્યારે શિવોહમ શિવોહમ કર્યું ત્યારે એ સર્વોચ્ચ સ્થાને આવી ગયું અને તેનાથી ઉપર કશું નથી.

ગુજરાતમાં સંસ્કૃત ભાષાના સર્વોચ્ચ વિદ્વાનો પૈકી એક ડૉ. ગૌતમ પટેલ દ્વારા 15 ભાગમાં સંપાદિત-અનુવાદિત “આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિ”નો વિમોચન સમારંભ અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ વિચારક સુરેશભાઈ સોની, શહેરના મેયર પ્રતિભાબેન જૈન સહિત અગ્રણીઓની હાજરીમાં યોજાયો હતો. આ ગ્રંથાવલીનું પ્રકાશન સસ્તું સાહિત્ય મુદ્રણાલય દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને ગુજરાતીમાં ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ, હવે 15 ગ્રંથ ઉપલબ્ધ
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ માટે આદિ શંકર રચિત જ્ઞાન સાગર ગુજરાતીમાં ઉપલબ્ધ થવો એ ઘણી મોટી ઘટના છે. આ કાર્યમાં આગળ વધારવામાં અને તે સમયસર પૂર્ણ થાય તે માટે સુરેશભાઈ સોનીએ પ્રેમપૂર્વક આગ્રહ રાખ્યો હતો એટલું જ નહીં પરંતુ તેઓ સતત મારી સાથે, સસ્તું સાહિત્ય મુદ્રણાલયના અન્ય ટ્રસ્ટીઓના તેમજ સંપાદક-અનુવાદક ગૌતમભાઈના સંપર્કમાં પણ રહ્યા હતા. પોતાના પ્રવચનમાં અમિતભાઈ શાહે ડૉ. ગૌતમભાઈ પટેલનો પણ ખૂબ માનપૂર્વક ઉલ્લેખ કરીને તેમણે કરેલી આ સંપાદનની કામગીરીને સાધુવાદ આપ્યા હતા. તેમણે કહ્યું કે, ગૌતમભાઈએ સમગ્ર જીવન સંસ્કૃતની સેવા કરી છે, પરંતુ આ ગ્રંથાવલિનું સંપાદન તેમના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
અમિત શાહ હાલ ભિક્ષુ અખંડઆનંદ સ્થાપિત સસ્તું સાહિત્યના મુખ્ય ટ્રસ્ટી છે. એ નાતે તેમણે ઉપસ્થિત હજારો શ્રોતાજનોને એ વાતનું આશ્વાસન પણ આપ્યું કે, અખંડ આનંદ સામયિક એક સમયે મૃતઃપ્રાય સ્થિતિમાં આવી ગયું હતું તેને પુનઃજીવિત કરવામાં આવ્યું છે અને હજુ આગામી 50 વર્ષ સુધી આ જ પ્રકારે પ્રકાશિત થતું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આદિ શંકર એટલે કોણ એ વિશે વિસ્તૃત છણાવટ કરતા અમિતભાઈએ કહ્યું હતું કે, આદિ શંકરાચાર્યે માત્ર વિચાર નહીં પરંતુ તેની સાથે સંયોજન પણ આપ્યું. તેમણે માત્ર જ્ઞાન નથી આપ્યું પરંતુ તેની સાથેસાથે જ્ઞાનનો આકાર પણ આપ્યો છે. આદિ શંકરે માત્ર મોક્ષનો વિચાર નથી આપ્યો પરંતુ મોક્ષ સુધી પહોંચવાનો માર્ગ પણ પશસ્ત કરી આપ્યો છે. એક જીવનમાં સાવ જૂજ લોકો આવું કરી શકે છે તેમ જણાવી કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વાસ્તવમાં આદિ શંકરાચાર્યે તેમના જમાનાના એક પ્રકારે પગે ચાલતા વિશ્વવિદ્યાલયની ભૂમિકા નિભાવી હતી.
આ પ્રસંગે આરએસએસના વિદ્વાન વિચારક સુરેશભાઈ સોનીએ પણ તેમના વિચારો રજૂ કર્યા હતા. સુરેશજીએ કહ્યું હતું કે, આદિ શંકરાચાર્યનાં લખાણ સંસ્કૃત બાદ અંગ્રેજીમાં ઉપલબ્ધ હતાં પરંતુ ભારતની કોઈપણ ભાષામાં આ સમગ્ર લખાણ ઉપલબ્ધ બન્યું હોય એવું માત્ર ગુજરાતીમાં થયું છે અને તેથી આ એક ઐતિહાસિક ક્ષણ છે. સુરેશજીએ ટાગોર હૉલમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવકોને આદિ શંકરના જીવન વિશે પણ ભાવવાહી અને માહિતીસભર વાતો કરી હતી.
કાર્યક્રમ દરમિયાન જોવા મળી અમિત શાહની વિનમ્રતા અને વિશેષતાઃ
કેન્દ્રીય મંત્રી અમિત શાહ જ્ઞાનનું કેવી સન્માન કરે છે તે સંદર્ભે આ કાર્યક્રમમાં એક વિશેષ દૃશ્ય એ જોવા મળ્યું હતું. ગ્રંથાવલિના મુખ્ય સંપાદક ડૉ. ગૌતમભાઈ પટેલનું શાલ અને સ્મૃતિ ચિહ્નથી સન્માન કરવા માટે સસ્તું સાહિત્ય મુદ્રણાલયના અન્ય ટ્રસ્ટીઓનાં નામની ઘોષણા થઈ હતી. એ ટ્રસ્ટીઓએ તો સન્માન કર્યું જ પરંતુ અમિત શાહે પણ ઊભા થઈને તેમના હસ્તે ગૌતમભાઈને શાલ અને સ્મૃતિ ચિહ્ન આપીને તેમને વંદન કર્યા હતા.
વિમોચન પ્રસંગના પ્રારંભે આ સમગ્ર ગ્રંથાવલીના મુખ્ય સંપાદક ડૉ. ગૌતમ પટેલે આ ભવ્ય કામગીરી સાથે જોડાવાની તેમની યાત્રા અને તેમાં જે લોકોનો સાથ મળ્યો તેમનો ઉલ્લેખ કર્યો હતો અને સૌ પ્રત્યે તેમજ સસ્તું સાહિત્ય મુદ્રણાલય તેમજ ખાસ કરીને તેના મુખ્ય ટ્રસ્ટી અમિતભાઈ શાહ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


