કુપવાડામાં 2.3 કિલો હેરોઈન સાથે મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ
નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે ચલાવવામાં આવી રહેલા ‘વોર ઓન ડ્રગ્સ’ અભિયાન હેઠળ કુપવાડા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતા 2.3 કિલોગ્રામ હેરોઈન જેવા નશીલા પદાર્થ સાથે એક મહિલા ડ્રગ પેડલરની ધરપકડ કરી છે, જ્યારે તેના અન્ય સાથીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુપવાડા પોલીસની ટીમે ગુલગામ વિસ્તારના મગરાય મોહલ્લા પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ વાહનને તપાસ માટે અટકાવવામાં આવ્યું હતું. પોલીસને જોઈને વાહનમાં સવાર એક મહિલા મુસાફરના હાવભાવ બદલાયા હતા અને તે ગભરાઈ ગઈ હતી. પોલીસ વધુ પૂછપરછ કરે તે પહેલા જ વાહન ચાલક અને અન્ય બે શખ્સો વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા, પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરી મહિલાને ઝડપી લીધી હતી.
મહિલાની તલાશી લેતા તેની પાસેથી 2.3 કિલોગ્રામ હેરોઈન જેવો માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરી મહિલાની કસ્ટડી લીધી છે. આ મામલે કુપવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
કુપવાડા પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ કાર્યવાહીની વિગતો શેર કરતા જણાવ્યું કે, ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ સામે આક્રમક અભિયાન ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસ માત્ર ધરપકડ જ નહીં, પરંતુ ડ્રગ્સ અને હવાલા નેટવર્ક દ્વારા એકઠી કરવામાં આવેલી મિલકતોને પણ કાયદેસરની પ્રક્રિયા બાદ ટાંચમાં લેવાની (સીલ કરવાની) કાર્યવાહી કરી રહી છે.


