ભાજપ નેતા અમિત માલવિયા વિરૂદ્ધની FIR રદ કરવા સાથે મદ્રાસ હાઈકોર્ટે શું કહ્યું, જાણો
- મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મ અંગેના વિવાદમાં આપ્યો સીમાચિહ્નરૂપ ચુકાદો
- ઉદયનિધિના નિવેદનની અદાલતે આકરી ટીકા કરી
ચેન્નઈ, 21 જાન્યુઆરી, 2026 – quashing the FIR against BJP leader Amit Malviya મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સનાતન ધર્મ વિરુદ્ધની ટિપ્પણીઓના મામલે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો છે. હાઈકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપવા સાથે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવીયા વિરુદ્ધ તમિલનાડુ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર (FIR) ને રદ કરી દીધી છે.
જસ્ટિસ જી. શ્રીમથીએ આ ચુકાદો આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમિત માલવીયાએ માત્ર તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન દ્વારા કરવામાં આવેલા નફરતભર્યા ભાષણ (Hate Speech) સામે પ્રતિક્રિયા આપી હતી અને પોતાના ધર્મનો બચાવ કર્યો હતો, જે કોઈ પણ રીતે ગુનો ગણી શકાય નહીં.
ઉદયનિધિ સ્ટાલિનનું નિવેદન ગંભીર હતુંઃ હાઈકોર્ટ
કોર્ટે પોતાના ચુકાદામાં ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનનું ગહન વિશ્લેષણ કરતા નોંધ્યું હતું કે સનાતન ધર્મને ‘નાબૂદ’ કરવાની વાત કરવી એ અત્યંત ગંભીર બાબત છે. જજે અવલોકન કર્યું હતું કે તમિલ વાક્ય ‘સનાતન ઓઝિપ્પુ’ નો અર્થ માત્ર વિચારધારાનો વિરોધ નથી, પરંતુ તેનો ગૂઢ અર્થ નરસંહાર (Genocide) અથવા સાંસ્કૃતિક હત્યા (Culturicide) તરફ નિર્દેશ કરે છે. કોર્ટે તર્ક આપ્યો હતો કે જો કોઈ એમ કહે કે સનાતન ધર્મનું અસ્તિત્વ ન હોવું જોઈએ, તો તેનો અર્થ એવો પણ થાય કે તેને અનુસરતા કરોડો લોકોનું અસ્તિત્વ પણ ન હોવું જોઈએ. અમિત માલવીયા પોતે સનાતન ધર્મના અનુયાયી હોવાથી તેઓ આ નિવેદનથી પીડિત ગણાય અને પીડિત વ્યક્તિને પોતાનો પક્ષ રાખવાનો અને ધર્મનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
તમિલનાડુ સરકારના વલણની પણ કોર્ટ દ્વારા ઝાટકણી
કોર્ટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી કેટલીક દલીલોની પણ આકરી ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકારે એવો દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી, કામરાજ અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષો પણ સનાતન ધર્મની વિરુદ્ધ હતા. જોકે, હાઈકોર્ટે આ દાવાને પાયાવિહોણો ગણાવતા કહ્યું હતું કે પેરિયાર સિવાયના અન્ય નેતાઓએ ક્યારેય સનાતન ધર્મને જડમૂળથી ઉખેડી નાખવાની કે નાબૂદ કરવાની વાત કરી નથી.
કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે વ્યક્તિએ હકીકતમાં નફરતભર્યું ભાષણ આપ્યું છે તે મુક્ત રીતે ફરી રહ્યા છે, જ્યારે તેની સામે સવાલ ઉઠાવનાર વ્યક્તિને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે, જે ન્યાયની વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે આ વિવાદ સપ્ટેમ્બર 2023 માં શરૂ થયો હતો જ્યારે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરીને તેને નાબૂદ કરવાનું આહવાન કર્યું હતું. તેના પ્રતિભાવમાં અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, જેના આધારે ડીએમકેના વકીલ પાંખની ફરિયાદ પર ત્રિચી પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો. હાઈકોર્ટે હવે આ એફઆઈઆરને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને તેને સંપૂર્ણપણે રદ કરવાનો આદેશ આપ્યો છે.


