અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર
મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મુંબઈમાં એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યમાં એક દિવસની જાહેર રજા અને ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અત્યંત ભારે હૈયે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, “અજિત દાદાના અવસાનથી મહારાષ્ટ્રમાં દુઃખની લહેર ફરી વળી છે. આજે રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ સુધી રાજકીય શોક પાળવામાં આવશે. આ સમગ્ર મહારાષ્ટ્ર માટે એવી ખોટ છે જે ક્યારેય પૂરી શકાય તેમ નથી.” આ ઘટનાને પોતાની અંગત ખોટ ગણાવતા ફડણવીસે ભાવુક થઈને કહ્યું કે, “અજિત દાદા એક અત્યંત મહેનતુ નેતા હતા, જે કોઈ પણ પરિસ્થિતિમાં ડગમગતા નહોતા. મહારાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. આવી નેતૃત્વ ક્ષમતા વિકસતા દાયકાઓ લાગે છે. મેં માત્ર એક સાથીદાર જ નહીં, પણ એક સાચો મિત્ર ગુમાવ્યો છે.”
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેઓ અને એકનાથ શિંદે ટૂંક સમયમાં જ બારામતી જવા રવાના થશે. તેમણે કહ્યું, મેં સુપ્રિયા તાઈ (સુપ્રિયા સુલે) અને પાર્થ પવાર સાથે વાત કરી છે. અંતિમ સંસ્કાર ક્યારે અને કેવી રીતે કરવા તેનો નિર્ણય બારામતી પહોંચ્યા બાદ પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર વાત કરી દુઃખ વ્યક્ત કર્યું છે અને આ દુર્ઘટના અંગે વિગતો મેળવી છે. અજિત પવારના નિધનને પગલે મહારાષ્ટ્રના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ : બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી તબાહી, 3.25 લાખ સૈનિકોએ મોત


