1. Home
  2. ગુજરાતી
  3. યુપીના સંભલમાં મોટી કાર્યવાહી: જામા મસ્જિદના શાહી ઈમામ પર 6.94 કરોડનો દંડ
યુપીના સંભલમાં મોટી કાર્યવાહી: જામા મસ્જિદના શાહી ઈમામ પર 6.94 કરોડનો દંડ

યુપીના સંભલમાં મોટી કાર્યવાહી: જામા મસ્જિદના શાહી ઈમામ પર 6.94 કરોડનો દંડ

0
Social Share

લખનૌ, 11 માર્ચ 2026: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની ઐતિહાસિક જામા મસ્જિદના શાહી ઈમામ પર સરકારી જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ મામલે તહસીલદાર કોર્ટે કડક વલણ અપનાવતા ઈમામ અને તેમના ભાઈ પર અધધ 6.94 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્રશાસનના આદેશ બાદ ગેરકાયદેસર કબજો ધરાવનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, સૈફ ખાં સરાય ગામમાં ગ્રામ સમાજની માલિકીની જમીન આવેલી છે. મહેસૂલ રેકોર્ડમાં આ જમીન વૃક્ષારોપણ માટે આરક્ષિત હોવાનું દર્શાવાયું છે. સ્થાનિક લેખપાલના રિપોર્ટ મુજબ, આ સરકારી જમીન પૈકી 1340 ચોરસ મીટર જગ્યા પર સંભલની ઐતિહાસિક જામા મસ્જિદના શાહી ઇમામ મૌલાના આફતાબ હુસૈન વારસી અને તેમના ભાઈ મહેતાબ હુસૈનનું મકાન, મસ્જિદ અને દરગાહ આવેલા છે. આ નિર્માણ કેટલાક દાયકાઓ જૂનું હોવાનું કહેવાય છે અને તેના પર સંપૂર્ણપણે શાહી ઈમામ અને તેમના ભાઈનો કબજો છે.

આ મામલે ઝીણવટભરી તપાસ બાદ તહસીલદારની કોર્ટે ઈમામ અને તેમના ભાઈને આ સરકારી જમીન તાત્કાલિક ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ બંને પર આશરે 6.94 કરોડ રૂપિયાનો ભારેખમ દંડ પણ લગાવ્યો છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, સંબંધિત પક્ષને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં જમીન ખાલી કરવામાં નહીં આવે, તો મહેસૂલ વિભાગ અને સ્થાનિક પ્રશાસન કડક કાર્યવાહી હાથ ધરશે અને ગેરકાયદેસર મસ્જિદ, મકાન અને દરગાહ પર બુલડોઝર ફેરવવામાં આવશે. આ આદેશને પગલે સૈફ ખાં સરાય ગામમાં ખળભળાટ મચી ગયો છે, જ્યાં હાલ ઈમામ અને તેમના ભાઈનો પરિવાર રહે છે.

બીજી તરફ, કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈમામ મૌલાના આફતાબ હુસૈન વારસીએ આ જમીનને ‘વકફ સંપત્તિ’ ગણાવીને વાંધો ઉઠાવ્યો હતો. ઇમામ પક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ એક ધાર્મિક સ્થળ છે અને મસ્જિદ તથા મજારનું નિર્માણ વર્ષો પહેલાં થયું હતું. આ પરિસર વકફ બોર્ડમાં નોંધાયેલું છે. જોકે, મહેસૂલ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, ઉપલબ્ધ સરકારી દસ્તાવેજો મુજબ આ જમીન ગ્રામ સમાજની જ છે, તેથી તેના પર થયેલા કોઈપણ બાંધકામને કાયદેસર માની શકાય નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંભલ જિલ્લામાં સરકારી જમીનો પરથી ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે પ્રશાસન દ્વારા એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અગાઉ સલેમપુર સાલાર, રાયા બુઝુર્ગ અને નરૌલી જેવા વિસ્તારોમાં પણ ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. વહીવટી આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં જિલ્લામાં લગભગ 17 મસ્જિદો, 12 મજારો અને 2 મદરેસાઓને અતિક્રમણ મુક્ત કરાવવામાં આવ્યા છે. અન્ય કેટલાક સ્થળો પર પણ નોટિસ ફટકારીને કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચોઃ DRDO અને ભારતીય નૌકાદળે સ્વદેશી ADC-150નું ફ્લાઇટમાં સફળ રિલીઝ પરીક્ષણ કર્યું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code