કોચ્ચિમાં પીએમ મોદીએ માછીમાર સમુદાયને ગણાવ્યા બ્લૂ ઈકોનોમીના રક્ષક
કોચ્ચિ, 11 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે કેરલમની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોચ્ચિમાં ‘અખિલ કેરળ ધીવર સભા’ના સુવર્ણ જયંતી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ઐતિહાસિક અવસરે પીએમ મોદીએ માછીમાર સમુદાયના કલ્યાણ માટે સંગઠનના કાર્યોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું વિષ્ણુની પ્રતિમા અને અંગવસ્ત્ર અર્પણ કરી પરંપરાગત સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ્રે પીએમ મોદીએ રાજ્યના નામ પરિવર્તનનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “કેરળનું નામ હવે ‘કેરલમ’ થઈ ગયું છે, જે મલયાલી સંસ્કૃતિ અને સ્થાનિક ઓળખને અનુરૂપ છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ ફેરફારને મંજૂરી આપવામાં આવી છે, જે મલયાલી ભાઈ-બહેનોની લાંબા સમયની ઈચ્છા હતી. આ નિર્ણયથી રાજ્યને તેની સાચી ઓળખ મળી છે અને હું આ માટે તમામ કેરલમવાસીઓને અભિનંદન આપું છું.”
માછીમાર સમુદાયની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, ભાજપ-એનડીએ સરકારે જ મત્સ્ય પાલન માટે અલગ મંત્રાલયની સ્થાપના કરી છે. પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ કેરલમ માટે આશરે 1400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી રાજ્યમાં મત્સ્ય પાલન ક્ષેત્ર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, હવે માછીમારો જ્યારે સમુદ્રમાં જાય છે ત્યારે તેમના પરિવારજનોએ ચિંતા કરવાની જરૂર નથી. સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા તેમને હવામાન અને સુરક્ષા સંબંધી સચોટ માહિતી પૂરી પાડવામાં આવે છે.
પીએમ મોદીએ માછીમાર સમુદાયની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધાની પ્રશંસા કરતા કહ્યું કે, “સમુદ્રની રક્ષા માટે શ્રી કુરુમ્બા દેવી પ્રત્યેની તમારી શ્રદ્ધા દર્શાવે છે કે ભારતે સદીઓથી પર્યાવરણને કેટલું મહત્વ આપ્યું છે. તમારી પરંપરાઓ ભગવાન વ્યાસ સાથે જોડાયેલી છે, જે તેને ભારતના ઇતિહાસનો અભિન્ન હિસ્સો બનાવે છે. આ ગૌરવશાળી વારસાને સાચવવા બદલ હું તમારો આભાર માનું છું.” વડાપ્રધાનની આ મુલાકાત માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ વિકાસલક્ષી પણ રહી છે, કારણ કે આ પ્રવાસ દરમિયાન અનેક વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ સામેલ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગેસ સિલિન્ડરની રામાયણ, હોટલ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા


